નવસારી શહેરમાં બે અને ગ્રામ્યમાં 1 ગેમ ઝોન કાર્યરત
નવસારી : રાજકોટમાં ગત રોજ TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ચાલતા ગેમ ઝોનમાં તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, સાથે જ બીજી સુચના ન મળે ત્યાં સુધી ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે આજે નવસારી વિજલપોર શહેરના ઇટાળવા સ્થિત આવેલા ફન કીડ્ડો અને ફન 4 U ગેમ ઝોનમાં શહેર મામલતદાર અને ફાયરના અધિકારીઓએ તપાસ કરી હતી.
ફન કીડ્ડોમાં કંજસ્ટેડ જગ્યા અને એઝીટ ગેટ જોવા મળ્યો નહીં
રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા TRP ગેમ ઝોનમાં ગત સાંજે લાગેલી વિકરાળ આગમાં ૩૩ લોકો જીવતા ભુંજાયાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ શહેરોમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસ સાથે તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાના આદેશ આપ્યા છે. જેમાં નવસારી જિલ્લા તંત્રને પણ સૂચના મળતા નવસારી શહેર મામલતદાર એ. જે. વસાવાની આગેવાનીમાં નવસારી વિજલપોર પાલિકાના ફાયર બ્રિગેડના ફાયર અધિક્ષક સહિતનો સ્ટાફ શહેરના બે ગેમ ઝોનમાં તપાસ કરવા પહોંચ્યા હતા. નવસારીના ઇટાળવા સ્થિત વિશાલનગર સોસાયટીની સામે આવેલા ફન કીડ્ડો અને ફન 4 U ગેમ ઝોનમાં તંત્રના અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાં ફન કીડ્ડો ગેમ ઝોનમાં જગ્યા નાની અને રમતો વધુ હોવાથી કંજસ્ટેડ એરિયા જણાયો હતો. સાથે જ ગેમ ઝોનમાં પ્રવેશવા માટે એક નાનો દરવાજો હતો, જયારે કોઈ દુર્ઘટના ઘટે તો એક્ઝીટ ગેટ જોવા મળ્યો ન હતો. ફાયરના સાધનોમાં ત્રણ જ ફાયર એક્ઝીગ્યુંસર હતા. જેથી તંત્ર દ્વારા ચેક લીસ્ટ પ્રમાણે તપાસ રીપોર્ટ તૈયાર કર્યો હતો.
જયારે ફન 4 U ગેમ ઝોનમાં વિશાળ જગ્યા જોવા મળી હતી, જેમાં એક મોટો એન્ટ્રી ગેટ અને બે એક્ઝીટ ગેટ તેમજ કેફે ટેરિયાના વિસ્તારમાં વેન્ટીલેટર જોવા મળ્યુ હતુ. જયારે ગેમ ઝોનમાં નાના ફાયર એક્ઝીગ્યુંસર અને મોટા CO2 ના બોટલો પણ રાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા બંને ગેમ ઝોનની ચકાસણીનો રીપોર્ટ બનાવી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.