નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપરથી રોજના મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. જેમાં આજે નવસારી LCB પોલીસને મળેલી બાતમીને આધારે નવસારીના ગ્રીડ ઓવર બ્રિજ પાસેથી 15.22 લાખનો વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે અજાણ્યા બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે વિદેશી દારૂ મંગાવનાર અને ભરાવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા
મળતી માહિતી મુજબ, નવસારી LCB પોલીસમી ટીમ ગત રોજ નેશનલ હાઇવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે HC લલિત અશોક અને PC મનોજ સમાધાનને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના ચિન્ચોટીથી એક આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવી ચાલક સુરત તરફ જઈ રહ્યો છે. જેને આધારે નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રિજના દક્ષિણ છેડે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી 15.22 લાખ રૂપિયાની વિસ્કી અને બિયરની 7020 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને બિહારના સીતામઢી જિલ્લાના બનગાંવ ખાતે રહેતા 45 વર્ષીય મીન્ટુક રાઉતની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી અજાણ્યાએ ભરાવી આપ્યો હતો અને સુરત લઈ જવાનો હતો. જેથી પોલીસે અજાણ્યા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી લાખોના વિદેશી દારૂ સહિત 10 લાખ રૂપિયાનો ટેમ્પો, 700 રૂપિયા રોકડા અને 5 હજારનો મોબાઈલ ફોન મળી કુલ 25.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસે તપાસને વેગ આપ્યો છે.