નવસારી : નવસારીના પૂર્વ પટ્ટી સહિત આદિવાસી પંથકના ગામડાઓમાં શેરડીના ખેતરોમાં વર્ષોથી દીપડાઓ ઘર કરી ગયા હોય એવી સ્થિતિ બની છે. ત્યારે જિલ્લાના ચીખલી તાલુકાના કૂકેરી ગામે વાત્સલ્ય ધામ નજીકના શેરડીના ખેતરમાં દીપડાની લટારનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ખેતરમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવાની ઉઠી માંગ
નવસારીના ચીખલી સહિતના આદિવાસી પંથકમાં દીપડાનો ભય યથાવત રહ્યો છે. જેમાં ચીખલીના કૂકેરી ગામના વાત્સલ્ય ધામ શંતાબા વિદ્યાલય નજીક આવેલા શેરડીના ખેતરમાં ગત રાતે દીપડો લટાર મારતો દેખાયો હતો. જેને કારમાં ખેતરમાંથી પસાર થતા કોઈક સ્થાનિકે પોતાના મોબાઈલમાં દીપડાને કંડારી લીધો હતો. વીડિયોમાં દીપડો પોતાના અલ્લડ અંદાજમાં ખેતરના રસ્તા ઉપર લટાર મારતો દેખાઈ રહ્યો છે. જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે. ખાસ કરીને નજીકમાં જ શાળા અને હોસ્ટેલ હોવાથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે. જેની સાથે જ ચીખલી વન વિભાગ દીપડાને પાંજરે પુરવા આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવે એવી માંગ પણ ઉઠી છે.
ચીખલી તાલુકાના 7 ગામોમાં દીપડાને પકડવા ગોઠવાયા છે પાંજરા
ચીખલી તાલુકામાં દીપડા દેખાવાની ઘટના સામાન્ય બની રહી છે. ગત મહિનાઓમાં દીપડા દેખાવા સાથે સાદકપોર ગામે એક યુવતી ઉપર હુમલો કરી તેને શિકાર બનાવી હતી. ત્યારબાદ પણ અનેક ગામોમાં દીપડાઓ દેખાવા સાથે પલાતું પ્રાણીઓનો શિકાર કર્યો હોવાની ફરીયાદો પણ ઉઠતી રહી છે. ત્યારે ચીખલી વન વિભાગને દીપડા દેખાયાની ફરિયાદો મળ્યા બાદ તાલુકાના અંદાજે 7 ગામોમાં દીપડાઓ પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે. જોકે કૂકેરીના વીડિયો મુદ્દે RFO આકાશ પડશાળાએ જણાવ્યું કે, ત્રણ દિવસોથી વીડિયો ફરી રહ્યો હોવાની માહિતી છે. પરંતુ કૂકેરીનો જ છે કે કેમ એનો પણ પ્રશ્ન છે. બીજુ ગામમાંથી કોઈ જાણકારી મળી નથી કે કોઇએ પાંજરૂ મૂકવા માટે પણ અરજી કરી નથી. જેથી હાલ કૂકેરીમાં કોઈ પાંજરૂ ગોઠવવાની તૈયારી નથી.