નવસારીના વૈષ્ણવો સાથે સનાતનીઓએ કલેકટરને આવેદન આપ્યુ
નવસારી : બોલીવુડના જાણિતા પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય ભારે વિરોધ કરી રહ્યો છે. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયના સંતો, પુજારીઓ વિષે અભદ્ર કન્ટેન્ટ હોવાના આક્ષેપો સાથે આજે નવસારીના વૈષ્ણવો સહિત સનાતાનીઓએ નવસારી જિલ્લા કલેકટર ખાતે ઉગ્ર રોષ સાથે સુત્રોચ્ચાર કર્યા બાદ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપી, ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ લાદવામાં આવેની માંગ કરી હતી.
1862 બાદ સત્યપ્રકાશમાં છાપયેલા લેખ અને કોર્ટ કાર્યવાહી ઉપર બની છે મહારાજ ફિલ્મ
વર્ષ 1800 આસપાસ મુંબઈના પત્રકાર કરસનદાસ મુળજી દ્વારા સમાજમાં ચાલતી બદીઓ દૂર કરવા માટેના પ્રયાસો કર્યા હતા. જેમાં 1862 માં કરસનદાસ દ્વારા પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના સંતો, પુજારીઓ દ્વારા અનૈતિક વ્યવહાર આચરતા હોવાના આક્ષેપો સામે પોતાના સત્યપ્રકાશ પેપરમાં લેખ લખ્યો હતો. જેની સામે મુંબઈ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો. જે ઘટનાને લેખક સૌરભ શાહ દ્વારા મહારાજ નામથી પુસ્તક લખવામાં આવ્યુ હતું. જેના આધારે યશરાજ ફિલ્મ દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મમાં પણ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના ધર્મગુરૂને વિલન બતાવી, વૈષ્ણવ આચાર્ય સંતો ધર્મગુરૂઓ વિષે અભદ્ર ચિત્રણ કરી વૈષ્ણવોની લાગણી દુભાવી છે. જેથી વૈષ્ણવ સમાજ ઓનલાઇન પ્લેટફોર્મ પર રીલીઝ થનારી મહારાજ ફિલ્મનો ઉગ્રતાથી વિરોધ કરી રહ્યો છે. જેમાં આજે નવસારીના વૈષ્ણવો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ભેગા થઇ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ જિલ્લા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપી, યશરાજ ફિલ્મ અને સંબંધિત લોકો વિરૂદ્ધ IPC ની કલમ 295 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા સાથે જ જ્યાં સુધી ફિલ્મની સામગ્રીની યોગ્ય તપાસ ન થાય અને અભદ્ર, વાંધાજનક ભાગોને દૂર ન કરવામાં આવે ત્યાં સુધી ફિલ્મ થિયેટર અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ક્યારેય રીલીઝ ન થાય તેમજ મહારાજ નામની નવલકથા કાયમી પ્રતિબંધિત કરવામાં આવે એવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી.