પોલીસે કુલ 2.45 લાખ રૂપિયાના ફટાકડા કબ્જે લીધા
નવસારી : રાજ્યમાં આગની ઘટનાઓના સમાચારો જોયા બાદ પણ ઘણા લોકો સુધરવાનું નામ લેતા નથી. જેમાં પણ વિસ્ફોટક પદાર્થોનો વેપાર કરતા વેપારીઓએ સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, પણ વેપારીઓ પણ નિષ્કાળજી રાખે છે. નવસારીના વાંસદામાં પણ મુખ્ય બજારમાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વિના વિસ્ફોટક ફટાકડા વેચતા બે વેપારીઓને SOG પોલીસે પકડી, કુલ 2.45 લાખના ફટાકડા કબ્જે લીધા છે.
વાંસદાના વિનાયક જનરલ સ્ટોર્સ અને અનવર સ્ટોર્સમાં ગેરકાયદે વેચાતા હતા ફટાકડા
મળતી માહિતી અનુસાર, નવસારી સ્પેશયલ ઓપરેશન ગ્રુપના HC સંતોષ સુનિલ અને PC કિરણ દિનેશ અને PC પ્રદિપ રાજેશને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વાંસદાના બજાર વિસ્તારમાં ટાવર રોડ સ્થિત અનવર સ્ટોર્સ અને વિનાયક જનરલ સ્ટોર્સમાં વગર લાયસન્સે અને ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વિના વિસ્ફોટક ફટકાડા વેચાય છે. જેને આધારે પોલીસ ટીમે બંને દુકાનોમાં છાપો માર્યો હતો. જ્યાં અનવર સ્ટોર્સના 53 વર્ષીય શેફુદ્દીન રંગવાળા પાસે ફટાકડાનું લાયસન્સ ન હતુ અને દુકાનમાં ફાયર સેફ્ટી પણ ન હતી. જેથી પોલીસે વેપારી શેફૂદ્દીન રંગવાલાની ધરપકડ કરી, દુકાનમાંથી 1,03,590 રૂપિયાના ફટાકડા કબ્જે લીધા હતા. જેની સાથે જ વિનાયક સ્ટોર્સમાં પણ ફટાકડા લાયસન્સ અને ફાયર સેફ્ટી ન હોવાથી પોલીસે 42 વર્ષીય વેપારી હેમલ રાણાની ધરપકડ કરી 1,42,221 રૂપિયાના ફટકડાં કબ્જે લીધા હતા. સાથે જ SOG પોલીસે બંને વેપારીઓ વિરૂદ્ધ વાંસદા પોલીસ મથકે એકસપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધાવી કુલ 2.45 લાખના ફટાકડા કબ્જે લઈ તપાસને વેગ આપ્યો છે.