નવસારી : નવસારીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. જેમાં ગત ત્રણ દિવસોથી જિલ્લામાં નહીંવત વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાવા છતાં નામ માત્ર વરસાદ પડતા બફારાનો પણ અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
10 થી 14 જુલાઈ પાંચ દિવસો દરમિયાન પણ રહેશે વરસાદી માહોલ
ચોમાસાની શરૂઆત બાદ હાથતાળી આપતા મેઘરાજા હવે બરાબર જમ્યા છે. નવસારીમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ક્યાંક ઝરમર, તો ક્યાંક વરસાદી ઝાપટાએ વરસાદી માહોલ બનાવ્યો છે. જોકે છેલ્લા ત્રણ દિવસોથી નવસારી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા છતાં વરસાદ નામ માત્ર વરસ્યો છે. ગતરોજ પણ નવસારી જિલ્લો કોરો રહ્યો હોય એમ કહીએ તો ખોટું નથી, કારણ પાંચ તાલુકાઓમાં 1 થી 4 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે એક તાલુકો સંપૂર્ણ કોરો રહ્યો છે. જોકે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 10 થી 14 જુલાઈ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ વરસે એવો વર્તારો કરાયો છે. જેની સાથે પવનની ગતિ વધવાની પણ સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠે પ્રતિ કલાક 35 થી 45 કિમીની ઝડપે પવન ફુગાવાની શક્યતા દર્શાવાય છે.