નવસારી : નવસારીમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી મેઘ મહેર થઈ રહી છે. સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીના 14 કલાકમાં ગણદેવી તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ચીખલી અને ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ જામતા ખેડૂતો પણ હરખાયા છે.
ડાંગર પકાવતા ખેડૂતો ફેર રોપણીમાં જોતરાયા
જુલાઈ મહિનામાં નવસારી જિલ્લામાં ચોમાસું જામ્યુ છે. અઠવાડિયુ વરસાદી માહોલ રહ્યા બાદ ત્રણ દિવસ કોરા રહ્યા હતા. પરંતુ ગતરોજ થી ફરી જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. હવામાન વિભાગે 10 થી 15 જુલાઈ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં 10 તારીખે આગાહી મુજબ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગતરોજ મધ્યમ વરસાદ રહ્યો હતો. આજે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદે સર્વત્ર પાણી પાણી કર્યુ છે. નવસારી જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાત્રે 8 વાગ્યે પુરા થતા 14 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ગણદેવી તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે, જે હજી પણ અવિરત વરસી રહ્યો છે. જ્યારે ચીખલી અને ખેરગામ તાલુકામાં 3-3 ઈંચ, નવસારીમાં અઢી ઈંચ, જલાલપોરમાં 2 ઈંચ અને વાંસદામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. સારો વરસાદ થતાં જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો હરખ સાથે ફેર રોપણીમાં જોતરાયા છે.
ભારે વરસાદથી નવસારી અને બીલીમોરા શહેરમાં અનેક ઠેકાણું રસ્તા ઉપર પાણી ભરાયા
નવસારીમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અગવડતા વેઠવી પડી હતી. શહેરના મંકોડિયા સ્થિત ધાનેરા ચોક, ગ્રીડ, જુનાથાણા, ગોલવાડ, કુંભારવાડ, શાંતાદેવી, વિજલપોર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. રસ્તાઓ ઉપર પાણી ભરાતા નવસારી વિજલપોર પાલિકાની ટીમ એક્ટિવ થઈ હતી અને રસ્તા ઉપર ભરાયેલા પાણીને કાઢવા માટે ના પ્રયાસો હાથ ધર્યા હતા. બીલીમોરા શહેરમાં પણ રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ બની હતી. શહેરની પંચાલવાડી નજીક રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.
સારા વરસાદથી જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક
નવસારીમાં ઉપરવાસના ડાંગ જિલ્લાના ચાર તાલુકા અને સુરત જિલ્લાના બે તાલુકાઓમાં પણ એક થી બે ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં સારા વરસાદની કારણે જિલ્લાની લોકમાતાઓમાં પણ નવા નીર આવ્યા છે.