દક્ષિણ-ગુજરાત

નવસારી જિલ્લામાં વરસાદ જામ્યો, નવસારી, ગણદેવી અને ખેરગામમાં 5 ઈંચથી વધુ વરસાદ

Published

on

ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત

નવસારી : નવસારી જિલ્લામાં ગતરોજથી પડી રહેલા ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થયું છે. જિલ્લાના 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામતા જનજીવન પ્રભાવિત થયું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નવસારી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં પણ રાત્રિ દરમિયાન નવસારી જલાલપોર અને ગણદેવી તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો છે.

ગણદેવી તાલુકામાં કાવેરી નદીના જળસ્તરમાં થયો વધારો

નવસારી જિલ્લામાં બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેના કારણે સર્વત્ર ઠંડક પ્રસરી છે. પરંતુ ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવા પડી છે. નવસારીમાં ગતરોજ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતુ. જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં નવસારી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે જલાલપોર અને ચીખલી તાલુકામાં પોણા પાંચ ઈંચ અને વાંસદા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. જેમાં ગણદેવીની કાવેરી નદીનું જળસ્તર એક ફૂટ વધી 9.50 ફૂટે પહોંચ્યું છે.

નવસારીમાં આવેલા જુજ અને કેલિયા ડેમની સપાટી વધી

નવસારી તેમજ ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થવા સાથે જળ સપાટીમાં વધારો થયો છે. જેને કારણે નવસારીના વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. જૂજ ડેમ 167.50 મીટરે ઓવરફ્લો થાય છે. ત્યારે હાલ 0.30 મીટરના વધારા સાથે 153.30 મીટર સપાટી નોંધાય છે. જ્યારે કેલિયા ડેમ 113.40 મીટરે ઓવરફ્લો થતો હોય છે, જે પણ હાલ 0.60 મીટરના વધારા સાથે 103.20 મીટરે પહોંચ્યો છે.

 

Click to comment

Trending

Exit mobile version