આદિવાસી સમુદાય દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયુ
નવસારી : નવસારીના ગણદેવા ગામે આદિવાસીઓના 200 વર્ષ જુના સ્મશાન ભૂમિમાં અગ્નિદાહની ચિતા અને સ્માશાનમાં બનાવેલી સમાધીઓને નુકશાન પહોંચાડનારા ગામના સરપંચ, તલાટી અને ગામ આગેવાનો સામે કાયદાકિય કાર્યવાહી કરી, સ્મશાન ભૂમિને પુન: સ્થાપિત કરી આપવાની માંગ સાથે આજે ગણદેવા ગામના આદિવાસી સમુદાય દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
સ્મશાન ભૂમિને નુકશાન પહોંચાડનારાઓની ધરપકડ કરવાની માંગ
નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે બ્લોક નં. 1445 અને 1285 વાળી જમીનમાં ગામમાં રહેતા આદિવાસીઓની 200 વર્ષ જૂની સ્મશાન ભૂમિ આવેલ છે. જેમાં અવસાન પામતા સ્વજનોને આદિવાસીઓ દફનાવી તેમની સમાધી બનાવતા હતા. પરંતુ 20 વર્ષ અગાઉ સમાજમાં રૂઢી છોડીને અગ્નિદાહ આપવાનું શરૂ કરવામાં આવ્યુ હતું. જેથી સ્મશાન ભૂમિમાં સરકારી યોજના હેઠળ ચિતા મુકવામાં આવી, સાથે જ પતરાનો શેડ, પાણીનો બોર, બેઠક માટે બાકડાની વ્યવસ્થા ગોઠવી દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી વીજ કનેક્શન પણ લેવામાં આવ્યુ હતુ. સાથે જ સ્મશાન ભૂમિ સુધી પહોંચવા પાકો ડામર રોડ અને સ્ટ્રીટ લાઈટો પણ મુકવામાં આવી છે. પરંતુ ગામના જ રાજેશ દયાળજી મહેતા અને કેતન સુમંતરાય મેહતાએ સ્મશાનની ચિતા તોડી નાંખી હતી અને રાજેશ મહેતા, કેતન મેહતા અને જયેશ દેસાઈ જાણ બહાર વીજ મીટર ચોરી કરવા સાથે જ બ્લોક નં. 1445 અને 1285 વાળી જમીનમાં આજ ત્રણ વ્યક્તિઓએ ગ્રામ પંચાયતના તલાટી, એડીશનલ તલાટી અને સરપંચ સ્નેહલબેન પટેલ સાથે મળી સ્મશાન ભૂમિમાં તોડફોડ કરી પરાપૂર્વથી ચાલી આવેલ સ્મશાનની જમીન પચાવી પાડવાના આક્ષેપો સાથે જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે જ સ્મશાનને નુકશાન પહોંચાડનારા સૌ સામે કાયદાકિય કાર્યવાહી કરી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ કરી હતી. સાથે જ સ્મશાન પુન: સ્થાપિત કરવા સાથે ભવિષ્યમાં સ્મશાનના ઉપયોગમાં કોઈ અવરોધ ન ઉભો કરે એ માટે યોય્ગ પગલાં ભરવાની માંગણી પણ કરી હતી.