અકસ્માત

ગણદેવીના અજરાઈ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

Published

on

સરીબુજરંગ ગામે રહેતો સુરજ પટેલ નોકરી પરથી ઘરે જઈ રહ્યો હતો

નવસારી : ગણદેવી અમલસાડ માર્ગ પર સાંજના સમયે પુર ઝડપે દોડી રહેલી એક બાઇક અજરાઈ ગામ પાસે અચાનક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સરીબુજરંગ ગામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ, પોલીસે શરૂ કરી તપાસ

મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના સરીબુજરંગ ગામે રહેતો 32 વર્ષીય સુરજ વિનોદભાઈ પટેલ, ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલી વારી સોલાર કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારે સાંજે સુરજ કંપનીમાંથી છૂટી પોતાના ઘરે જઈ રહ્યો હતો, દરમિયાન ગણદેવી અમલસાડ માર્ગ પર પુરપાટ ઝડપે દોડતી સુરજની બાઇક અજરાઈ ગામ નજીક પટેલ જનરલ સ્ટોર પાસે સ્લીપ થઇ ગઈ હતી. જેમાં સુરજ રસ્તા પર પટકાઈને થોડે સુધી ઘસડાયો હતો. બાઇકની સ્પીડ હોવાથી સુરજને માથામાં ગંભીર ઇજા થવા સાથે જ તેની ખોપડી ફાટી ગઈ હતી. જેથી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગણદેવી પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી ગણદેવી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.  પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને ધ્યાને રાખીને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.

Click to comment

Trending

Exit mobile version