નવસારી LCB પોલીસે બોરીયાચ ટોલનાકા પાસેથી ટેમ્પો પકડી પાડ્યો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 2.16 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે બેની ધરપકડ કરી હતી.
પોલીસે ઘટના સ્થળેથી 5.26 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI દિગ્વિજયસિંહ જગતસિંહ અને HC વિપુલ નાનુને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ટેમ્પો સુરત તરફ જઈ રહ્યો છે, જેને આધારે પોલીસ ટીમે હાઇવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાંથી 2.16 લાખ રૂપિયાની વ્હીસ્કી અને બીયરની કુલ 1800 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને મુંબઈના માંઝગાવ સ્થિત કૌલા બંદર ખાતે ભાડેથી રહેતા 29 વર્ષીય મુર્તુઝા મહેરાજઅલી શેખ અને 25 વર્ષીય મોહમદહુસેન હૈદરઅલી શેખની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 3 લાખ રૂપિયાનો ટેમ્પો અને 10 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળી કુલ 5.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.