અકસ્માત

નવસારીના છાપરા રોડ ઉપર કૃષ્ણપુર જતી ST બસ કાદવમાં ફસાઈ

Published

on

બસમાં સવાર 10 મુસાફરોને સામાન્ય ઇજા

નવસારી : નવસારીમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ બન્યો છે. ત્યારે છાપરા રોડ ચાર રસ્તા પાસે સવારથી મોટો ટ્રાફિકજામ લાગ્યો હતો. જેમાં નવસારીથી કૃષ્ણપુર જતી ST બસ છાપરા પાસે રસ્તાની કિનારે કાદવમાં ખુપી જતા ફસાઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 10 લોકોને સામાન્ય ઈજા થઈ હતી.

બસમાં સવાર મુસાફરોએ ગંતવ્ય સ્થળે પહોંચવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી

નવસારીમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે છાપરા રોડ ચાર રસ્તા નજીક સવારે બે શાળાના વિદ્યાર્થીઓ ભેગા થતા મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં નવસારીથી જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામે જઈ રહેલી ST બસના ચાલકે સામેથી આવતા વાહનને રસ્તો આપવાના ચક્કરમાં છાપરાના મુખ્ય ગેટ નજીક ST બસ રસ્તાની કિનારે ઉતારી હતી. પરંતુ રસ્તાના કિનારે વરસાદને કારણે કાદવ થયો હોવાથી ST બસ કાદવમાં ખૂંપી જતા ફસાઈ ગઈ હતી. બસને અકસ્માત નડતા બસના ચાલk, કંડકટર તેમજ 10 મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી. બસ ફસાઈ જવાથી મુસાફરોએ પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડી હતી.

નવસારીથી છાપરા જતો માર્ગ પહોળો કરવાની તાતી જરૂર

નવસારી વિજલપોર શહેર હવે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે. શહેરનો વિસ્તાર વધવા સાથે વસ્તીમાં પણ વધારો થયો છે. જેથી શહેરમાં વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે ચોમાસાના દિવસોમાં છાપરા રોડ નજીક દાંતેજ ગામે ડિવાઇન સ્કૂલ તેમજ પરતાપોર ગામે એબી સ્કૂલ આવી છે. જેથી રોજના વિદ્યાર્થીઓ તેમજ પશ્ચિમ વિસ્તારના ગામડાઓના લોકો પણ છાપરા રોડનો બહોળો ઉપયોગ કરે છે. જેથી સવારના સમયે અને શાળા છૂટવાના સમયે ટ્રાફિક જામ સામાન્ય બની જાય છે. મહાનગરપાલિકા બનવા જઈ રહેલા શહેરનો છાપરા રોડ પહોળો કરવામાં આવે એવી લોક લાગણી પણ પ્રવર્તિ રહી છે. ત્યારે નવસારી વિજલપોર પાલિકા ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખી શહેરના સાંકડા રસ્તાઓને પહોળા કરવા મુદ્દે વિચારણા કરે એ જ સમયની માંગ છે.

Click to comment

Trending

Exit mobile version