નવસારી : પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના કૌભાંડમાં ભીનું સંકેલી લેવામાં ન આવે અને આરોપી ચિરાગ પટેલના એકાઉન્ટમાં થયેલા કરોડોના ટ્રાન્ઝેક્શનની તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ સાથે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. સાથે જ જિલ્લામાં નલ સે જલ યોજનામાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે સરકાર આ યોજનામાં પણ ગંભીરતાથી તપાસ કરાવે એવી માંગ કરી છે.
આરોપી ચિરાગ પટેલ કોન્ટ્રાક્ટર ન હોવા છતાં, બેંક ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શન થયાના આક્ષેપ
નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગના નિવૃત્ત અને કાર્યરત અધિકારીઓએ સાત એજન્સીઓના કોન્ટ્રાક્ટરો સાથે મળી 9 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. જેમાં વિભાગીય તપાસ બાદ સુરત CID ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ બાદ એક્ટિવ થયેલી પોલીસે 14 આરોપીઓ પૈકી 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં તપાસ આગળ વધતા કૌભાંડનો આંકડો 9 કરોડ થી વધુનો થયો છે. ત્યારે નવસારી જિલ્લાના પાણી પુરવઠા વિભાગમાં થયેલા 8 થી 10 કરોડના કૌભાંડનો આંકડો 50 થી 60 કરોડ સુધી પહોંચે, એવી આશંકા કોંગ્રેસી આગેવાનોએ દર્શાવી છે. જેથી હાલમાં થઈ રહેલી તપાસમાં નાના અધિકારીઓ પર સંકજો કસી મોટાને છોડી દેવાની પહેરવી ન થાય તેમજ સ્થાનિક ભાજપના પદાધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી આજે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગી આગેવાનો જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સરકાર સામે સૂત્રોચાર કરી અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર મુદ્દે તલસ્પર્શી તપાસ કરવામાં આવે એવી માંગ કરી છે. સાથે જ ગણદેવીના ધમડાછા ગામનો અને આરોપી ચિરાગ પટેલ ભાજપનો સામાન્ય કાર્યકર છે, એ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી. તેમ છતાં ચિરાગના એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાના આક્ષેપો સાથે ચિરાગ પટેલના એકાઉન્ટની પણ ઝણવટ ભરી તપાસ કરવાની માંગ કરી છે.
જિલ્લામાં નળ સેજલ યોજનામાં પણ કરોડોના ભ્રષ્ટાચારની ગંધ કોંગ્રેસ
પાણી પુરવઠા વિભાગના કૌભાંડની સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લામાં સરકારની નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા છે. જિલ્લામાં નલ સે જલ યોજના એક પણ ગામમાં સાકાર થઈ શકી નથી. વિભાગ દ્વારા ઘરે-ઘરે નળ પહોંચાડવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી. જેથી નલ સે જલમાં પણ તલસ્પર્શી તપાસ કરવાની માંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો સરકાર દ્વારા પાણી પુરવઠા કૌભાંડ અને નલ સે જલ યોજના મુદ્દે યોગ્ય તપાસ ન કરી મોટા માથાને છોડી દેવાની તૈયારી કરાશે, તો કોંગ્રેસ જલદ્દ આંદોલન આપશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.
કોંગ્રેસીઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડીશું – અધિક કલેક્ટર
જિલ્લા કોંગ્રેસ દ્વારા પાણી પુરવઠા વિભાગમાં ભીનું સંકેલી લેવામાં ન આવેની આશંકા સાથે આપેલા આવેદનપત્ર મુદ્દે નવસારીના અધિક કલેકટરે પાણી પુરવઠા કૌભાંડમાં નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની હતી એ થઈ છે અને પોલીસ વિભાગ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરી હોવાની વાત કરી, હાલ તપાસ ચાલી રહી હોવાનો રાગ આપાલ્યો હતો. જોકે સમગ્ર મુદ્દે કોંગ્રેસીઓની રજૂઆત સરકારમાં પહોંચાડવાની ખાતરી પણ આપી હતી.