ત્રણ તાલુકામાં દોઢ ઈંચ, જ્યારે ત્રણમાં એક ઈંચથી વધુ વરસાદ
નવસારી : નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગત 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં દોઢ ઈંચ, જ્યારે ચીખલી, ખેરગામ અને વાંસદામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
પુર અસરગ્રસ્તોને વરસાદને કારણે સાફ સફાઈમાં પડી મુશ્કેલી
નવસારીમાં શુક્રવારથી વરસાદે વિરામ લીધો હતો. ત્રણ દિવસ સુધી મેઘરાજા શાંત રહ્યા બાદ સોમવારે નવસારીમાં વરસાદી માહોલ જામ્યો હતો. નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થતાં સવારમાં જનજીવન પ્રભાવિત થયું હતુ. નવસારી શહેરમાં સવારે ધોધમાર વરસાદ વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં સફાઈ તેમજ પૂરમાં પલડી ગયેલી વસ્તુઓને સુકવવા મથતા અસરગ્રસ્તોને મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે બપોર બાદ મેઘો શાંત થતા લોકોને રાહત મળી હતી. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સમયાંતરે વરસાદ વરસતો રહ્યો હતો. જેમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં નવસારી તાલુકામાં 1.66 ઈંચ, જલાલપોર અને ગણદેવી તાલુકામાં 1.45 ઈંચ, ચીખલી તાલુકામાં એક ઈંચ, જ્યારે ખેરગામ અને વાંસદા તાલુકામાં 1.16 ઈંચ વરસાદ નોંધાયો હતો.