દેશની 13 હોકી ટીમોએ ભાગ લીધો, MP ની ગર્લ્સ અને બોયઝ ટીમ બની ચેમ્પિયન
સુરત : સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં અઠવાડિયાથી રમાઇ રહેલી ઇન્ડિયા સબ જુનિયર હોકી ચેમ્પિયનશીપમાં દેશના અન્ય રાજ્યોને માત આપીને મધ્યપ્રદેશની ગર્લ્સ અને બોયઝ ટીમે બાજી મારી ચેમ્પિયનશીપ જીતી હતી.
MP ની ગર્લ્સ અને બોયઝ બંને ટીમે હરીફ ટીમ સામે 7-1 થી જીત મેળવી
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોકી ઇન્ડિયા-વેસ્ટ ઝોન દ્વારા 23 થી 30 જુલાઇ માટે અઠવાડિક સબ જુનિયર મેન એન્ડ વુમન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દીવ, દાદરા અને નગર હવેલીની કુલ 13 હોકી ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં બોયઝની 7 અને ગર્લ્સની 6 ટીમો મેદાનમાં ઉતરી હતી. 6 દિવસો સુધી તમામ ટીમો વચ્ચે રમાયેલી હોકી રોમાંચક રહી હતી. 30 જુલાઈના રોજ બોયઝ અને ગર્લ્સ બંને ટીમોની ફાઇનલ મેચ રમાઇ હતી. ગર્લ્સ ફાઈનલ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વચ્ચે રમાઈ હતી, જેમાં મધ્યપ્રદેશે 7-1 થી છત્તીસગઢને પછાડીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. જ્યારે ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર ટીમ રાજસ્થાન સામે 5-0 થી જીતી હતી. બોયઝ ટીમમાં પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં મધ્યપ્રદેશે મહારાષ્ટ્રને 7-1 થી પછડાટ આપી હતી. જયારે ત્રીજા સ્થાન પર દાદરા નગર હવેલી અને દમણ દીવ વિરુદ્ધ છત્તીસગઢ વચ્ચે રમાઈ જેમાં 1-1 (5-6 SO) થી છત્તીસગઢ વિજેતા થયું હતું.
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
હોકી ચેમ્પિયનશીપમાં યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, કુલ સચિવ ડો રમેશદાન ગઢવી, પત્રકારત્વ વિભાગના કોકોર્ડીનેટર ડો. ભરત ઠાકોર અને યુવક કલ્યાણ વિભાગના વડા ડો. પ્રકાશચંદ્ર પટેલ સહિત વિવિધ રાજ્યોના ખેલાડીઓ, કોચ, મેનેજર તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.