નવસારી : સંઘર્ષો થકી ખીલેલા કમળને વિશ્વમાં સૌથી મોટી રાજકિય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. ત્યારે પક્ષની નીતિ પ્રમાણે 6 વર્ષ બાદ ફરી શરૂ થયેલા ભાજપ સદસ્યતા અભિયાનનો કેન્દ્ર અને રાજ્યમાં પ્રારંભ થયા બાદ આજે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહનાં હસ્તે નવસારીમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. 2 મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં ભાજપી આગેવાનો અને કાર્યકર્તાઓ 3 લાખ લોકોને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરશે.
પ્રથમ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત પીઢ કાર્યકરોને બનાવાયા સદસ્ય
ભારતીય જનતા પાર્ટીના નિયમોનુસાર દર 6 વર્ષે પક્ષના પ્રાથમિક સભ્યોએ પોતાની સ્વેચ્છાએ પક્ષની સદસ્યતા લેવી પડે છે. જેને આધારે 2019 બાદ 6 વર્ષ પૂર્ણ થતા સદસ્યતા અભિયાન શરૂ થયુ છે. કેન્દ્રમાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. ત્યારે આજે નવસારી જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખાતે સદસ્યતા અભિયાનનો આરંભ કરાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલને પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા. જેની સાથે જ ભાજપના પીઢ કાર્યકર જયંતી વનમાળી સાથે જ પ્રદેશ મંત્રી શિતલ સોની, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈને પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા.
આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે કહ્યુ કે પક્ષના નિયમાનુસાર પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં સાંસદને 10 હજાર, ધારાસભ્યોને 5 હજાર એમ ઉતરતા ક્રમમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો, વિવિધ મંડળ અને મોર્ચાના પદાધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. 6 વર્ષ અગાઉ નવસારીમાંથી દોઢ લાખથી વધુ લોકો ભાજપમાં પ્રાથમિક સભ્યો બન્યા હતા. ત્યારે આ વખેત જિલ્લામાંથી 3 લાખ પ્રાથમિક સદસ્ય બનાવવાનો પ્રયાસ કરાશે. લોકોનો ભાજપ પ્રત્યેનો જે વિશ્વાસ છે અને જિલ્લા સાથે રાજ્ય અને ભારતે જે રીતે વિકાસની દિશા પકડી છે, એ જોતા ફરી ભાજપ પોતાનો જ રોકોર્ડ તોડશે એવી આશા છે. નવસારીમાં સદસ્યતા અભિયાન જિલ્લા સંયોજક અશોક ગજેરા અને તેમની ટીમ દ્વારા 2 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.