મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસની ટીમ આજે સાંજે ચીખલી નજીકના ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસના PC લલિત રત્નાભાઇ અને PC ગણપત ઇશ્વરભાઇને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ચીખલી નજીકના ખુંધ પોંકડા ગામે નિશાળ ફળિયામાં રહેતા સંજય ગાંડાભાઇ પટેલનાં ઘરના પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગોળ કુંડાળુ કરીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે PSI એસ. જે. કડીવાલાની આગેવાનીમાં ચીખલી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસે 4 જુગારીઓને પકડી પડ્યા હતા, જયારે બે શકુનિઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી આલીપોર ગામના સરપંચ અને આલીપોરના મજીવેડ ફળિયામાં રહેતા 38 વર્ષીય નરેશ પટેલ સાથે ખુંધ પોંકડાના 46 વર્ષીય સંજય પટેલ, ખુંધ પોંકડાના ગોઠણ ફળિયાના 43 વર્ષીય સુરેશ હળપતિ અને બામણવેલ ગામના મોચી ફળિયામાં રહેતા 30 વર્ષીય હિરલ પટેલની ધરપકડ કરી હતી. જયારે બામણવેલ ગામના પહાડ ફળિયામાં રહેતો વિજય ઝામઘાડે અને ચીખલીના માણેકપોર ગામે રહેતો ઉત્તમ પટેલ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દાંવમાં લાગેલ 32,790 રૂપિયા રોકડા, 18 હજાર રૂપિયાના 5 મોબાઈલ અને 45 હજાર રૂપિયાની બે બાઇક મળી કુલ 95,790 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે ભાગી છુટેલા વિજય અને ઉત્તમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસને વેગ આપ્યો છે.