પોલીસ અધિકારીઓ સાથે 1000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો
નવસારી : દસ દિવસ સુધી ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપ્પાની આરાધના કર્યા બાદ આવતી કાલે ગણેશ ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપશે. ગણેશ વિસર્જનને લઇ નવસારી પાલિકા તેમજ વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગે પર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ખાસ કરીને જિલ્લામાં 54 સ્થળોએ ગણેશ વિસર્જન થશે, જેમાં 1,000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે.
નવસારીમાં વિરાવળ ઓવારા પાસે 3 મોટી ક્રેનની વ્યવસ્થા કરાઈ
નવસારી વિજલપોર શહેર સહિત જિલ્લામાં ભક્તિભાવથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા અવનવી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી, ગણેશ ભક્તોને બાપ્પાના વિવિધ રૂપના દર્શન કરાવ્યા છે. 10 દિવસ દરમિયાન ગણેશ ભક્તોએ શ્રદ્ધા ભાવથી બાપ્પાની પૂજા અર્ચના કરી, ભજનોની રમઝટ બોલાવી, વિઘ્નહર્તાને પ્રસન્ન કરવાના પ્રયાસો કર્યા હતા. આવતી કાલે અનંત ચૌદસ છે, ત્યારે વિનાયકની વિદાય થશે. એકદંતને વિદાય આપવા માટે ભક્તો દ્વારા ભારે હૈયે તૈયારીઓ શરૂ કરાય છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર, નવસારી વિજલપોર પાલિકા દ્વારા વિસર્જન સ્થળોએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ 54 સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નવસારીના વિરાવળ ઓવારા પાસે નાની મોટી મૂર્તિ મળી 5000 થી વધુ ગણેશ પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં વિસર્જન થશે. ત્યારે વિરાવળ ઓવારા પાસે નવસારી પાલિકા દ્વારા ત્રણ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બે ક્રેન કાર્યરત રહેશે અને એકને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેની સાથે જ નદી કિનારે બનાવેલા કૃત્રિમ તળાવમાં POP ની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે. જેથી નદીને પ્રદૂષિત થતી બચાવી શકાય. સમગ્ર વિસર્જન દરમિયાન નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ સ્થાનિક તરવૈયાઓ અને ગણેશ સંગઠન મળી 400 થી વધુ લોકો સેવા આપશે. ફક્ત વિરાવળ ઓવારા પાસે કર્મચારીઓ તેમજ સ્થાનિક તરવૈયાઓ અને અન્ય મળી 250 લોકો કાર્યરત રહેશે. વિસર્જન યાત્રા દરમિયાન કોઈપણ મુશ્કેલી ન પડે એ માટે ગણેશ સંગઠન દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખાસ ગણેશ મંડળો પોતાના ગણપતિજીને સમયે ઉત્થાપન કરાવી યાત્રામાં જોડાય એવી અપીલ સંગઠન પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. સાથે જ એક મંડળના કાર્યકરો બીજા મંડળ સાથે ઘર્ષણમાં ન ઉતરે એનું ધ્યાન રાખવા પર મંડળ આયોજકોને સૂચના આપવામાં આવી છે.
નવસારી પોલીસ અધિક્ષક સાથે 3 DySP ના માર્ગદર્શનમાં નીકળશે વિસર્જન યાત્રા
અનંત ચૌદસને ગણેશ વિસર્જનને ધ્યાને લઇ જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. પોલીસ દ્વારા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ ગણેશ મંડળોને જે 54 સ્થળો વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે, ત્યાંથી જ વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. જેની સાથે વિસર્જન દરમિયાન નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શનમાં 3 DySP, 18 પોલીસ ઇન્સ્પેક્ટર, 40 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસકર્મીઓ અને હોમગાર્ડ મળી 1,000 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેની સાથે વિસર્જન યાત્રામાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. જ્યારે વિસર્જન દરમિયાન ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિસર્જન યાત્રા કોઈપણ પ્રકારના છમકલા વિના નિર્વિઘ્ને પૂર્ણ થાય.