ટાઉન પોલીસે 70 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે
નવસારી : નવસારી શહેરના ટેકનિકલ હાઇસ્કૂલ વિસ્તારમાં આવેલ કાગડીવાડના એક ઘરમાં તીનપત્તીનો જુગાર રમતા 8 જુગારીયાઓને ટાઉન પોલીસે છાપો મારી રંગેહાથ ઝડપી પાડી, 70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કાગડીવાડના પ્રદીપ રાઠોડના ઘરમાં રમાતો હતો જુગાર
મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલ ઘુઘા દિનેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરના દુધિયા તળાવ નજીક આવેલ ટેકનિકલ હાઈસ્કૂલની સામે સ્થિત કાગડીવાડમાં રહેતા પ્રદીપ ઈશ્વર રાઠોડના ઘરમાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે ટાઉન પોલીસની ટીમે પ્રદીપ રાઠોડના ઘરે છાપો માર્યો હતો. જેમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રદીપ રાઠોડ (33) સાથે સિંધી કેમ્પમાં રહેતા સુનીલકુમાર દૂબે (43), કાગડીવાડના ફિરોઝ ઝારા (42), સાહિદ ખાન (43), ઈરફાન શેખ (34), દરગાહ રોડના તાડ મોહલ્લામાં રહેતા શૌલેશ ઠુમ્મર (45), દરગાહ રોડના ખલીફા હૉલની સામે રહેતા આસિફ શાહ (37) અને કાગડીવાડમાં રહેતા મહેમુદ શાહ (50) ને રંગે હાથે ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી દાંવમાં લગાવેલા અને અંગઝડતીમાંથી 32,110 રૂપિયા તેમજ 38,500 રૂપિયાના 6 મોબાઈલ ફોન મળીને કુલ 70,610 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ આઠેય આરોપીઓની ધરપકડ કરી ટાઉન પોલીસ મથકે જુવાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.