શિવઅંશ કબડ્ડી ક્લબ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન
નવસારી : નવસારીના ખેલાડીઓ ક્રિકેટ છોડી રાષ્ટ્રીય રમત કબડ્ડી પ્રત્યે પણ રૂચી લેતા થાય અને સ્થાનિક ખેલાડીઓને ઘર આંગણે રાષ્ટ્રીય સ્તરનુ મેદાન મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે નવસારીના શિવઅંશ કબડ્ડી ક્લબ અને જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા શહેરના લુન્સીકુઈ મેદાનમાં બે દિવસીય ડે નાઇટ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો શનિવારે સાંજે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નવસારીના શિવઅંશ કબડ્ડી ક્લબ અને નવસારી જિલ્લા કબડ્ડી એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે 14 અને 15 ડીસેમ્બર બે દિવસો દરમિયાન ડે નાઇટ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ક્લબના સંચાલક નરેન્દ્ર કોળી તેમજ તેમની ટીમે કબડ્ડી પ્રત્યે બાળકો અને યુવાનોને રૂચી જાગે એવા પ્રયાસો કર્યા છે. સાથે જ યુવાનો ક્રિકેટની રમતને બદલે રાષ્ટ્રીય રમત કબડ્ડી પ્રત્યે પણ સભાન થાય, વાલીઓ પણ બાળકોને કબડ્ડી રમવા માટે પ્રોત્સાહિત કરે એવી લાગણી વ્યક્ત કરી છે. શહેરના હાર્દ સમા લુન્સીકુઈ મેદાનમાં આયોજિત કબડ્ડી સ્પર્ધાનો શનિવારે સાંજે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય તેમજ અન્ય પદાધિકારીઓએ દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધામાં કબડ્ડી રમવા બે મેદાન બનાવવામાં આવ્યા છે, જેના ઉપર કબડ્ડીના ખડતલ ખેલાડીઓ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી વિજેતા બનાવાનો સ્તુત્ય પ્રયાસ કરશે. સ્પર્ધામાં નવસારી જિલ્લાની 50 ટીમ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે જ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાંથી પણ કબડ્ડી ટીમ ભાગ લઇ રહી છે. એક પછી એક ટીમોને હરાવી વિજેતા બનનાર ટીમને 33333 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને કપ, દ્વિતીય વિજેતા ટીમને 15555 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને કપ તેમજ તૃતીય વિજેતા ટીમને 7777 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સાથે જ શ્રેષ્ઠ રમત રમનારા ખેલાડીને અલગ અલગ કેટેગરીમાં મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. ઘર આંગણે રમાઇ રહેલી રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો અને યુવાનો ઉમટી પડ્યા હતા.