અપરાધ

ગણદેવીમાંથી વાહન ચોરી કરનાર ચોર પકડાયો

Published

on

ગણદેવી નગરમાંથી ચોરાયેલી બે બાઇકના ગુનાનો ભેદ ઉકેલાયો

નવસારી : નવસારી જિલ્લામાં વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે, જેમાં ગત દિવસોમાં ગણદેવી નગરમાંથી બાઇક ચોરીની ફરિયાદ મળતા સતર્ક થયેલી ગણદેવી પોલીસે બાતમીને આધારે દમણીયા હોસ્પિટલ પાસેથી ચોરીની બાઇક સાથે ચોરની ધરપકડ કરી હતી. ચોર પકડતા ગણદેવીમાં ચોરાયેલી બે બાઇકનો ભેદ ઉકેલાયો છે.

પોલીસે આરોપી પાસે ચોરેલી બંને બાઇક કબ્જે લીધી

મળતી માહિતી અનુસાર, નવસારીના ગણદેવી નગરના કાદીપોર, પારસીવાડમાં રહેતા જનક રાજુ પટેલે પોતાની 25 હજાર રૂપિયાની બાઇક ગત 22 જાન્યુઆરીની રાતે પોતાના આંગણામાં પાર્ક કરી હતી. જેને કોઈ ચોર સ્ટીયરીંગ લોક તોડી ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. બીજે દિવસે સવારે જનકે આંગણામાં બાઇક ન દેખાતા આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ બાઇક ન મળતા જનક પટેલે ગણદેવી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. થોડા જ દિવસોમાં બે બાઇક ચોરી થવાની ફરિયાદ મળતા જ સતર્ક થયેલી ગણદેવી પોલીસે નગરના CCTV કેમેરાના ફૂટેજ, ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને એક્ટીવ કરીને બાઇક ચોરીનો ગુનો ઉકેલવા કમર કસી હતી. જેમાં ગણદેવી પોલીસના HC જયેશ બાબુને બાતમી મળી હતી કે, નગરની દમણીયા હોસ્પિટલ પાસે એક ઇસમ ચોરીની બાઇક સાથે ઉભો છે. જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી, તપાસ કરતા ઘટના સ્થળે ગણદેવીના પઠાણવાડમાં જમાતની ચાલીમાં રહેતો 20 વર્ષીય શાહનવાઝ કાસમ શાહ ચોરીની બાઇક સાથે ઉભો હતો. પોલીસે શાહનવાઝ શાહને દબોચી કડકાઈથી પૂછપરછ કરતા શાહનવાઝે ચોરી કર્યાની કબુલાત કરી હતી. સાથે જ થોડા દિવસ અગાઉ અન્ય એક બાઇક ચોરી હતી, જેને ગણદેવીની પાણીની ટાંકી પાસે આવેલ દરગાહ પાસે અવાવરૂ જગ્યામાં સંતાડી હોવાનું જણાવતા જ પોલીસે શાહનવાઝની ધરપકડ કરી, ચોરીની બંને બાઇક કબજે કરી હતી. સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસે આગળની તપાસ આરંભી છે.

Click to comment

Trending

Exit mobile version