બુટ ચોરીની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ, પોલીસે શરૂ કરી તપાસ
નવસારી : નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી ચોરીની ઘટનામાં વધારો થયો છે. ગત રોજ વેસ્મા ગામે ચોરીની ઘટના બાદ આજે નવસારીની શાંતિવન સોસાયટીમાં NRI ના બંધ મકાનમાં હાથ ફેરો કરવા આવેલા ચોરોનો ફેરો ફોગટ ગયો તો, નજીકમાં રહેતા પૂર્વ નગરસેવિકાના ઘરના ઓટલેથી 11 હજારના બુટ ચોરીને ફરાર થતા ચોરની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસે તપાસને વેગ આપ્યો છે.
શહેરી વિસ્તારમાં પોલીસના રાત્રિ પેટ્રોલિંગને વધારવાની માંગ
નવસારી જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતા ચોરટાઓ પણ પોતાના કરતબ બતાવવા માંડ્યા છે. વેસ્મા ગામે NRI ના બંધ ઘરમાં ચોરીની ઘટના બાદ ગત રાતે નસવારી શહેરના વોર્ડ નં. 13 માં આવેલી શાંતિવન સોસાયટી 2 માં પૂર્વ નગરસેવિકા પ્રીતિ અમીનના ઘરની બાજુમાં આવેલા NRI ના બંધ 2 મકાનને ચોરોએ નિશાન બનાવ્યા હતા. પરંતુ બંને ઘરો વેચવાના હોવાથી ઘરમાં કોઈ કિંમતી સમાન ન હતો. જેથી ચોરટાઓએ વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. પરંતુ ખાલી હાથે જતા ચોરટાઓમાંથી એકની નજર પૂર્વ નગરસેવિકા પ્રીતિ અમીનના ઘરના ઓટલા પર પડેલા બ્રાન્ડેડ બુટ ઉપર પડી હતી. જેથી કારમાં બેસતા પહેલા તેણે બાજુના ઘરમાંથી પૂર્વ નગરસેવિકાના ઓટલામાં ઉપર આવી, 11 હજાર કિંમતના બ્રાન્ડેડ કંપનીના બુટ ચોરી કરી, ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. ચોરીની ઘટના ઘરના ઓટલા બાજુ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. સવારે ચોર આવ્યા હોવાની જાણ થતા જ નવસારી ગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પ્રથમ નવસારી ગ્રામ્ય પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. જોકે બાદમાં ટાઉન પોલીસની હદ હોવાનું જાણતા જ નવસારી ટાઉન પોલીસને ચોરીની જાણ કરવામાં આવી હતી. જોકે બુટ ચોરી મુદ્દે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સાથે જ સ્થાનિકોમાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવાની પણ માંગ ઉઠી છે.