નવસારી : દીપડાઓનું અભયારણ્ય બની રહેલા નવસારી જિલ્લાના સાદકપોર ગામેથી ગત મોડી રાતે એક કદ્દાવર દીપડો પાંજરે પુરાયો હતો. થોડા દિવસોથી દીપડાના આંટાફેરાથી ગભરાયેલા ગ્રામજનોએ દીપડો પકડતા રાહતનો શ્વાસ લીધો હતો.
ચીખલી વન વિભાગે છેલ્લા એક મહિનામાં 5 દીપડાઓને પાંજરે પુર્યા
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં છેલ્લા થોડા મહિનાઓમાં દિપડા પકડવાની ઘટનાઓ સામાન્ય બની છે. ગત રાતે પણ ચીખલીના સાદકપોર ગામે અલ્પેશ પટેલના ખેતરમાં મારણ સાથે ગોઠવેલા પાંજરામાં એક 5 વર્ષનો કદ્દાવર દીપડો શિકારની લાલચમાં પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળી આસપાસના લોકોએ ઘટના સ્થળે પહોંચી પાંજરામાં જોતા દીપડો જણાયો હતો. દીપડો પકડાતા ચીખલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ચીખલી વન વિભાગના કર્મચારીઓએ સાદકપોર ગામે પહોંચી, દિપડાનો કબ્જો લીધો હતો અને તેને ચીખલી કચેરી ખાતે લઈ આવ્યા હતા. વિભાગે દીપડાની આરોગ્ય તપાસ કરાવી, તેને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચીખલી વન વિભાગ અંતર્ગત આવતા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં કુલ 5 દીપડાઓ પાંજરે પુરાયા છે.