અપરાધ

બોરીયાચ ટોલનાકા નજીકથી 37.03 લાખનાં વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

Published

on

મહારાષ્ટ્રના બે અને રાજસ્થાનનો એક મળી 3 વોન્ટેડ

નવસારી : નવસારી જિલ્લામાં દારૂની બદીને રોકવા માટે નવસારી LCB પોલીસની ટીમ સતર્ક રહે છે, ત્યારે મહારાષ્ટ્રના વસઇથી રાજસ્થાન તરફ જઈ રહેલા 37.03 લાખના વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલકને નવસારી LCB પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા નજીકથી પકડી પાડ્યો હતો. પોલીસે મહરાષ્ટ્રના બે અને રાજસ્થાનના એક સહિત 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

પોલીસે ઘટના સ્થળેથી કુલ 47.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખોનો વિદેશી દારૂ નેશનલ હાઈવે અને આંતરિક માર્ગો પરથી વહન થાય છે. જેને રોકવા માટે નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સતત સતર્ક રહે છે. ત્યારે આજે LCB ના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. જાડેજાને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ટેમ્પો હાઈવેના રસ્તે રાજસ્થાન તરફ જઈ રહ્યો છે, જેને આધારે LCB ની ટીમે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ઉત્તર તરફ ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાં 37.૦૩ લાખ રૂપિયાની વ્હીસ્કી, વોડકા અને બીયરની કુલ 18,432 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળેથી ટેમ્પો ચાલક ને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના જબરેશ્વર નગરમાં રહેતા અને ટેમ્પો ચાલક 24 વર્ષીય મનોહરલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી.. જેની પૂછપરછમાં વિદેશી દારૂ ભરેલ ટેમ્પો મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત વસઈના હિમાચલ ઢાબા પાસે અજાણ્યા બે લોકો આપી ગયા હતા અને તેમણે ટેમ્પોની ઓળખ છુપાવવા નંબર પ્લેટ પણ બદલી હતી. જયારે દારૂનો જથ્થો રાજસ્થાનના ચોહટનના અરવિંદ ઉર્ફે અમીયા બિશ્નોઈએ મંગાવ્યો હતો. જેથી પોલીસે અરવિંદ સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 10 લાખનો ટેમ્પો, 5 હજાર રૂપિયાના મોબાઇલ ફોન અને 2 હજાર રૂપિયા રોકડા સાથે કુલ 47.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે પ્રોહીબીશન એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, આગળની તપાસ હાથ ધરી છે.

Click to comment

Trending

Exit mobile version