પોલીસે ચોરીના 4 મોબાઈલ અને બે બાઇક કબ્જે કર્યા
નવસારી : નવસારી શહેરમાં ગત દિવસોમાં થયેલી બાઇક ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુનામાં વિજલપોર પોલીસને સફળતા મળી છે. વિજલપોર પોલીસે બાતમીને આધારે જલાલપોરથી બે લબરમુછીયા ચોરને પકડી પાડી, તેમની પાસેથી ચોરીના 4 મોબાઇલ અને 2 બાઇક કબ્જે કરી હતી.
મજૂરી કરતા યુવાનો ચઢ્યા હતા ચોરીના રવાડે
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં બાઇક ચોરી સાથે જ મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ વધી હતી. નવસારી ટાઉન પોલીસના ચોપડે ગુનાઓ પણ નોંધાયા હતા. દરમિયાન વિજલપોર પોલીસને બાતમીદારો પાસેથી માહિતી મળી કે, શહેરમાં થતી મોબાઇલ અને બાઇક ચોરીના ગુના સાથે વિજલપોરના જ શનેશ્વર નગરમાં રહેતા બે યુવાનોની લીંક હોય શકે છે. જેથી પોલીસે શનેશ્વર નગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા 22 વર્ષીય આશિષ ઉર્ફે વિકાસ ઉર્ફે કીંગ રામચંદ્ર સરોજ અને 23 વર્ષીય ગોલુ ચંદ્રભૂષણ પટેલને પકડી પાડ્યા હતા. જેમની કડક પૂછપરછમાં સિસોદ્રા ગામેથી 1 મોબાઇલ ફોન, અડદી ગામેથી 1 મોબાઈલ ફોન અને વિજલપોરના આંબાવાડી વિસ્તારમાંથી બે મોબાઈલ ફોન ચોર્યા હતા. જયારે 1 બાઇક બારડોલી ખાતેથી અને નવસારી શહેરમાંથી બાઇક ચોરી કર્યાની કબુલાત કરતા, પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી, આરોપી આશિષ અને ગોલુની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.