પોલીસે આરોપી પાસેથી 217 ગ્રામ ગાંજો કર્યો કબ્જે
નવસારી : નવસારી શહેરમાં નશાનો કાળો કારોબાર કરતા વધુ એકને નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 217 ગ્રામ ગાંજો કબ્જે કરી, તે ક્યાંથી આવ્યો એ દિશામાં તપાસને વેગ આપ્યો છે.
નવસારી ટાઉન પોલીસની નશાનો કારોબાર ડામવા મુહિમ
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં નશાનો કાળો કારોબાર રોકવા માટે ટાઉન પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં ગાંજાનો છૂપો વેપાર કરનારાઓનું પગેરૂ શોધી તેમની સામે કાર્યવાહી થઈ રહી છે. જેમાં ગત 22 મે, 2025 ના દિવસે જૂનાથાણા વિસ્તારમાંથી ગાંજો વેચતા સંજય દંતાણીને 1.749 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ શહેરમાં અન્યત્ર વેચાતા નશાના સામાનને પકડવા માટે ટાઉન પોલીસની મથામણમાં PSI વી. પી. ચૌધરીને મળેલ બાતમીને આધારે પોલીસે શહેરના તીઘરા વિસ્તારમાં સ્થિત નવી વસાહતમાં રહેતા 54 વર્ષીય ઉસ્માન ઉર્ફે કટારી પઠાણને 2170 રૂપિયાના 217 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી ઉસ્માન કોઈકની પાસેથી ગાંજો લાવી, તેની નાની પડીકી બનાવી વેચાણ કરતો હતો. જેથી પોલીસે ઉસ્માનની ધરપકડ કરી, તેને ગાંજો કોણ આપતું હતું એનું પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.