રાજુલાના ખાનગી કાર્યક્રમમાં યુવાનોને રાજકારણમાં ઉતરવાની કરી હાંકલ
બારડોલી : સોશ્યલ મીડિયામાં ખજૂર – જીગલીના કૉમેડી વીડિયો થકી લોકપ્રિય અને ગરીબોના ઘરો બનાવનાર સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ એ સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો વિચાર કરી, આગામી વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.
કયા પક્ષ સાથે જોડાશે એ નક્કી નહીં, પણ ચૂંટણી લડવા મક્કમ!
સોશ્યલ મીડિયામાં કૉમેડી વીડિયો થકી નામના મેળવનાર મૂળ બારડોલીના નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજુલાના ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને રાજકારણથી દૂર રહેવાને બદલે સક્રિય રીતે જોડાઈ, તેને નવી દિશા આપવા માટે હાંકલ કરી છે. જ્યાં યુવાનોના સવાલના જવાબમાં પોતે પણ 2027 ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ‘ખજૂરભાઈ’ ના રાજકારણમાં પ્રવેશની વાત ચર્ચાએ ચઢી છે. જોકે, નીતિન જાનીએ હાલમાં કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ 2027 ની ચૂંટણી લડવા માટે તેઓ મક્કમ છે.
પાવર વિના 374 ઘર બનાવ્યા, સત્તા મળશે તો સંખ્યા વધશે
નીતિન જાનીએ અત્યાર સુધીમાં પોતાના કૉમેડી વીડિયો અને સામાજિક કાર્ય થકી કોઈ પણ સરકારી પાવર વિના 374 જેટલા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકાં ઘરો બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ ચૂંટણી લડીને સત્તામાં આવશે તો લોકો માટે ધાબાવાળા પાકાં ઘરો બનાવવાની સંખ્યામાં વધારો કરી શકશે. એટલું જ નહીં, તેમની ઈચ્છા ગુજરાતની ગૌશાળાઓને પણ ધાબાવાળી બનાવવાની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આઈડિયોલોજીથી પ્રભાવિત છે ખજૂરભાઈ
હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો અને હાલ તેઓ સરદાર પટેલની ભૂમિ બારડોલીમાં રહે છે. જેથી જન્મથી જ સરદાર પટેલ તેમના હીરો રહ્યા છે. જોકે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિથી તેઓ પ્રભાવિત છે અને વર્ષોથી તેમને પોતાના આઇડલ માને છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ તેમના સમાજસેવાના કાર્યની સરાહના પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં તેઓ કયા પક્ષ સાથે જોડાઈને રાજકીય સફર શરૂ કરે છે, એ જોવું રહ્યું.