ગુજરાત

વર્ષ 2010 પૂર્વે નિયુક્તિ પામેલા શિક્ષકોને TET માંથી મુકિતની માંગ

Published

on

સુપ્રીમ કોર્ટના આદેશથી સરકારી શિક્ષકોની આજીવિકા ઉપરથી ઉભુ થશે સંકટ

નવસારી : સુપ્રીમ કોર્ટના એક આદેશથી ભારતમાં કાર્યરત લાખો સરકારી શિક્ષકોની નોકરી ઉપર સંકટ ટોળાઈ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતમાં કાર્યરત તમામ શિક્ષકો, જેમની નિયુક્તિ કોઈપણ વર્ષમાં થઈ હોય, પરંતુ તેમણે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ફરજિયાત પાસ કરવાનો આદેશ કર્યો છે, જેથી શિક્ષકો દ્વારા પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરી NCTE ના નિર્ણયને માન્ય રાખી વર્ષ 2010 પૂર્વે નિયુક્તિ પામેલા શિક્ષકોને TET માંથી મુકિત આપવાની માંગ કરી છે.

NCTE દ્વારા વર્ષ 2010 પૂર્વે નિયુકિત પામેલા શિક્ષકોને TET પરીક્ષામાં છૂટ આપવામાં આવી હતી

ભારતની સુપ્રીમ કોર્ટમાં કરાયેલી સિવિલ અરજી નં. 1385/2025 ની સુનવણી દરમિયાન ગત 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભારતમાં કાર્યરત તમામ સરકારી શિક્ષકોએ, પછી એમની નિયુક્તિની તારીખ કોઇપણ હોય, શિક્ષક પાત્રતા પરીક્ષા આપવી ફરજિયાત કરી દીધી છે. જેથી દેશભરના લાખો સરકારી શિક્ષકોને તેમની નોકરી સંકટમાં દેખાઈ રહી છે. નોકરી બચાવવાની ચિંતામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશમાં થોડી રાહત મળે એવા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી પત્ર લખ્યો છે. જે અંતર્ગત આજે નવસારી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ભારતના પ્રધાનમંત્રી સુધી વિનંતી પત્ર પાઠવ્યો છે. જેમાં શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 તથા રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદ (NCTE) ના ગત 23 ઓગસ્ટ, 2010 ના પરિપત્ર અનુસાર બે શ્રેણીને માન્યતા આપવામાં આવી હતી. જેમાં વર્ષ 2010 પહેલા નિયુક્તિ પામેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને વર્ષ 2010 બાદ નિયુક્તિ પામેલા શિક્ષકોને એક નક્કી થયેલ સમય મર્યાદામાં TET પરીક્ષા પાસ કરવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશમાં ઉક્ત નિર્ણયને ધ્યાને લેવામાં આવ્યો નથી. જેના કારણે વર્ષ 2010 પહેલા નિયુક્તિ પામેલા શિક્ષકની નોકરી પણ જોખમમાં મુકાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી દેશના લગભગ 20 લાખથી વધુ શિક્ષકોની ચિંતા વધી ગઈ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર મુદ્દે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો છે. સાથે જ જેટલું શિક્ષણ ગુણવત્તા જાળવવી જરૂરી છે, એટલું જ શિક્ષકોના અધિકારો અને સન્માનની રક્ષા કરવી પણ એટલી જ જરૂરી હોવાની વાત સાથે સુપ્રીમ કોર્ટના આદેશને ભવિષ્યને ધ્યાને રાખી લાગુ કરવામાં આવે, વર્ષ 2010 પહેલા શિક્ષકો ઉપર નહીં, કાયદાકીય રીતે નિયુક્તિ પામેલ અનુભવી શિક્ષકોની સેવા સુરક્ષા અને ગરિમા નક્કી કરવામાં આવે, લાખો શિક્ષકોની નોકરીને સંકટમાંથી ઉગારવા વહેલામાં વહેલો નીતિગત અને કાયદાકીય નિર્ણય લેવામાં આવે એવી વિનંતી સાથે માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version