Connect with us

સમસ્યા

વલસાડ-સુરત મેમુ ટ્રેનનો વિધિવત પ્રારંભ: દક્ષિણ ગુજરાતના લાખો મુસાફરોને મળી મોટી રાહત

Published

on

કોરોના કાળ બાદ સર્જાયેલી હાડમારીનો અંત ; વલસાડમાં પડતર રહેતી વિરાર મેમુ સુરત સુધી લંબાઈ

નવસારી : સુરત, નવસારી અને વલસાડ વચ્ચે રોજના ધોરણે અપડાઉન કરતા લાખો નોકરિયાત અને મધ્યમવર્ગીય મુસાફરો માટે આજે આશાનું નવું પ્રભાત ઉગ્યું છે. છેલ્લા સાત વર્ષથી ટ્રેનોના અભાવે આર્થિક બોજ અને સમયનો વ્યય સહન કરી રહેલા મુસાફરોની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ કરેલી સફળ રજૂઆતના પરિણામે વલસાડ-સુરત મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના નોકરિયાતો માટે રોડ માર્ગે થતો મોંઘો પ્રવાસ અટકી જશે અને તેમના સમય તથા પૈસા બંનેની બચત થશે.

વર્ષો જૂની હાડમારીનો અંત અને આર્થિક બોજમાંથી મુક્તિ

કોરોના મહામારી બાદ અનેક સ્થાનિક લોકલ ટ્રેનો બંધ થઈ જતાં સુરત, નવસારી અને વાપી વચ્ચે રોજગારી અર્થે જતા હજારો શ્રમજીવીઓ તથા નોકરિયાતો રોડ માર્ગે મોંઘા ભાડાં ચૂકવીને મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. નવસારી રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈની વ્યવહારુ રજૂઆતને સાંસદ સી. આર. પાટીલે દિલ્હી દરબાર સુધી પહોંચાડીને આ સુવિધા પુનઃ શરૂ કરાવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ, બપોરના સમયે વલસાડ ખાતે પડી રહેતી વિરાર મેમુને હવે સુરત સુધી લંબાવવામાં આવી છે. દરરોજ બપોરે 3:18 કલાકે નવસારી થઈ સુરત પહોંચતી અને સાંજે 6 કલાકે સુરતથી પરત નવસારી આવતી આ ટ્રેનના પ્રારંભથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનો ભારે આર્થિક બોજ હળવો થશે.

જનહિતમાં સમયનો સદ્ઉપયોગ અને નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત

નવસારી રેલ્વે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ ટ્રેનનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વલસાડ ખાતે વિનાકારણ પડતર પડી રહેલી રેલ્વે સંપત્તિનો સમયસર અને યોગ્ય ઉપયોગ કરીને તેને પ્રજાના હિતમાં સુરત સુધી લંબાવવાનો નિર્ણય વહીવટી કુશળતાનો ઉત્કૃષ્ટ પુરાવો પૂરો પાડે છે. આ ટ્રેનની શરૂઆત માત્ર એક પરિવહન સેવા નથી, પરંતુ મુસાફરોના કિંમતી સમયની બચત કરીને તેમના દૈનિક જીવનને સુગમ બનાવતી એક મહત્વપૂર્ણ આર્થિક રાહત સાબિત થઈ છે.

અપરાધ

નવસારીમાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : અંબિકા નદીમાં ડ્રોનથી ગેરકાયદે રેતી ચોરી પકડી

Published

on

By

જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળથી ચાલતા કાળા કારોબાર પર ડ્રોનનું ‘હવાઈ સર્વેલન્સ’

નવસારી ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા અંબિકા નદીપટ્ટમાં એક ગુપ્ત સર્ચ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંત શિરોયા, માઇન્સ સુપરવાઇઝર સંદીપ રાઉત અને સ્પેશિયલ ડ્રોન ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા ગામની સ્મશાન ભૂમિ પાછળથી પસાર થતી અંબિકા નદીના દુર્ગમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે આધુનિક ડ્રોન સર્વેલન્સની મદદથી નદીના પેટાળમાંથી યાંત્રિક બાજ (બોટ) વડે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પદ્ધતિને રંગેહાથ ઝડપી પાડીને માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

ગેરકાયદે ખનન કરનારા માફીયાઓ સામે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Continue Reading

નવસારી

વાયરલ રીલનો ક્રેઝ કે અકસ્માતને આમંત્રણ?નવસારીના રેલ્વે ઓવરબ્રિજ પર યુવાનોનો જોખમી ‘બાહુબલી’ સ્ટંટ

Published

on

By

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી બનાવ્યો વીડિયો

નવસારી : સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોડમાં નવસારીનો રેલ્વે ઓવરબ્રિજ હવે જોખમી રીલ્સ બનાવવાનું ગેરકાયદેસર હોટસ્પોટ બની ગયો છે. મધ્યરાત્રિના સમયે અન્યના જીવ જોખમમાં મૂકીને બાઈક ખભા પર ઉંચકીને બાહુબલી સ્ટંટ કરતા યુવાનોનો વધુ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી રીલ બનાવતો વીડિયો થયો વાયરલ

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી રેલ્વે ઓવરબ્રિજ પર રાત્રિના અંધારામાં કેટલાક યુવાનોએ ટ્રાફિકના તમામ નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને જોખમી સ્ટંટ હાથ ધર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન ‘બાહુબલી’ ફિલ્મના દ્રશ્યની જેમ પોતાના ખભા પર આખી બાઈક ઊંચકતો જોવા મળે છે, જ્યારે તેના અન્ય મિત્રો આ જોખમી હરકતને કેમેરામાં કેદ કરીને તેને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ બ્રિજ પર અગાઉ પણ આવા જીવલેણ સ્ટંટના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આવા ‘રીલબાજો’ના હોંસલા વધતા જાય છે. સાર્વજનિક સંપત્તિ અને રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે મોટું અકસ્માતનું જોખમ ઊભું કરતા આ યુવાનો સામે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ક્યારે કડક કાનૂની બ્રેક મારશે, તે જ હવે શહેરીજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

Continue Reading

આરોગ્ય

સ્વચ્છતા હી સેવા-2026 : કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 2 જી ઓક્ટોબરે યોજાશે મુખ્ય કાર્યક્રમ

નવસારી : નવસારી જિલ્લામાં આગામી ગાંધી જયંતિના પાવન પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અને ત્યારબાદ યોજાનારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 2 જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમ તથા અન્ય વહીવટી આયોજનોની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

2 થી 4 ઓક્ટોબર : સઘન સ્વચ્છતા ઝુંબેશ અને ‘કેચ ધ રેઇન’ જનજાગૃતિ

ગાંધી જયંતિના વિશેષ અવસરે મજીગામ ખાતે મુખ્ય કાર્યક્રમની સાથે સાથે સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહેસુલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોની સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ કેળવાય તે માટેના વિવિધ આયોજનો ઘડવામાં આવ્યા છે. વધુમાં, 4 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓ-પદાધિકારીઓ અને પ્રજાજનોની સક્રિય ભાગીદારીથી સઘન સફાઈ ઝુંબેશ તેમજ ‘કેચ ધ રેઇન’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચયને લગતા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

5 અને 6 ઓક્ટોબર : મજીગામના દિનકર ભવન ખાતે એલીમ્કો સહયોગથી વિશિષ્ટ કેમ્પ

સ્વછતા અભિયાન ઉપરાંત આગામી 5 અને 6 ઓક્ટોબરે મજીગામના દિનકર ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ‘એલીમ્કો’ (ALIMCO) ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સ્થળની પૂર્વતૈયારીઓ, જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સુચારુ સંકલન અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને માત્ર એક સરકારી કાર્યક્રમ ન રાખતા, લોકભાગીદારી વધારીને એક વ્યાપક જનઆંદોલન બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિભાગોને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Continue Reading
Advertisement

Trending