Connect with us

વિશિષ્ટ

નવસારીમાં આકાર પામ્યું 1.83 કરોડનું આધુનિક સિટી બસ પોર્ટ

Published

on

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કર્યું લોકાર્પણ; દરરોજ 10 હજાર મુસાફરોની લાઈફલાઈન બનેલી બસ સેવા

નવસારી : શહેરીકરણની ઝડપી દોડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ જે-તે શહેરની આર્થિક અને સામાજિક ગતિશીલતાનું દર્પણ હોય છે. નવસારી શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી સિટી બસ સેવાને આજે એક નવું સરનામું અને નવી ઊંચાઈ મળી છે. નવસારી રેલ્વે સ્ટેશનની પૂર્વ દિશામાં 1.83 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક અને સુવિધાસભર ‘સિટી બસ પોર્ટ’ નું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકો માટે સસ્તી, સુગમ અને સુરક્ષિત મુસાફરીની ખાતરી આપતું આ બસ પોર્ટ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ નવસારીની પરિવહન ક્ષેત્રે બદલાતી આધુનિક ઓળખની સાક્ષી છે.

આધુનિક સુવિધાઓ અને સગવડનું નવું કેન્દ્ર

નવનિર્મિત સિટી બસ પોર્ટમાં મુસાફરોની સુવિધા અને સુચારુ સંચાલનને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. ડેપો પરિસરમાં એકસાથે 60 થી 70 મુસાફરો આરામદાયક રીતે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે સંચાલન સરળ બને તે માટે 6 બસ પ્લેટફોર્મ અને એકસાથે 8 બસો પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે. મુસાફરોને સમયસર માહિતી મળી રહે તે હેતુથી બસ ટ્રાવેલિંગ શેડ્યૂલ ડિસ્પ્લે અને ઈન્ક્વાયરી વિન્ડોની સગવડ પણ શરૂ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાના જણાવ્યા મુજબ, આ સુવિધાથી દૈનિક મુસાફરી કરતા હજારો નાગરિકોનો સમય બચશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે.

વિકાસ અને ઐતિહાસિક વારસાનો અનોખો સમન્વય

આ બસ પોર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે, આધુનિકીકરણની દોડમાં શહેરની પ્રકૃતિ અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવાનો સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવ્યો છે. ડેપો પરિસરમાં સ્થિત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડજીની ઐતિહાસિક પ્રતિમાને યથાવત રાખીને તેમની સ્મૃતિઓને સન્માનિત કરાઈ છે, તો બીજી તરફ પરિસરમાં હયાત વૃક્ષોને કાપવાને બદલે તેનું જતન કરીને પર્યાવરણીય સંતુલન જાળવવામાં આવ્યું છે. આમ, રાજાશાહી સમયના વારસા અને પર્યાવરણની ગ્રીન ચેતના સાથે આધુનિક વિકાસનો આ એક અનોખો અને સુમેળભર્યો સમન્વય બની રહ્યો છે.

ગ્રામીણ કનેક્ટિવિટી અને ફ્યુચર એક્સપાન્શન પ્લાન

હાલ નવસારી શહેરમાં 20 સિટી બસો 14 વિવિધ રૂટ પર સફળતાપૂર્વક દોડી રહી છે. આ સેવા માત્ર શહેર પૂરતી સીમિત ન રહેતા ઐતિહાસિક દાંડી, આટ, ઘેલખડી, અબ્રામા, સુપા ગામ, સિસોદ્રા, ઉન ITI અને કસ્બા જેવા દૂર-સુદૂરના ગ્રામ્ય વિસ્તારોને પણ શહેર સાથે જોડે છે. દરરોજ 10 હજારથી વધુ લોકો માટે લાઈફલાઈન બનેલી આ સેવાનું ભવિષ્ય પણ ખૂબ જ રોશન છે. સીટી બસ સેવાના સંચાલક વિરેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મુસાફરોના પ્રવાસને વધુ સુખદ બનાવવા માટે ‘AC બસ’ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ‘PM ઈ-બસ’ યોજના હેઠળ નવી ઇલેક્ટ્રિક બસો મંજૂર થઈ ચૂકી છે, જે આગામી સમયમાં નવસારીના પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ ગ્રીન, ક્લીન અને ખિસ્સાને પોષાય તેવું સસ્તું બનાવશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તહેવાર

વાત્સલ્યનો આકાર અને શુદ્ધ ભક્તિનો સાક્ષાત્કાર : નવસારીમાં ટેરાકોટા માટીમાંથી કંડારાઈ રહ્યા છે ‘નટખટ બાળ ગણેશ’

Published

on

By

કોઈ ડાઈ કે મોલ્ડ વગર માત્ર હાથના સ્પર્શ અને મુખે ગજાનન સ્તુતિ સાથે ઘડાતી 100 ટકા નક્કર ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ

નવસારી : ગણેશોત્સવનો પાવન પર્વ નજીક આવતાં જ વિઘ્નહર્તાની અવનવી પ્રતિમાઓથી બાપ્પાના ધામ ગૂંજી ઉઠ્યા છે. સામાન્ય રીતે ઉત્સવ દરમિયાન પીઓપી (POP) કે બંગાળી કારીગરોના વાંસ, ઘાંસ અને ગંગા માટીની મૂર્તિઓ જોવા મળતી હોય છે, પરંતુ નવસારીમાં આ વર્ષે ભક્તિ અને પ્રકૃતિનો એક અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. નવસારીના મૂર્તિકાર હીરલબેન કંસારા છેલ્લા એક દાયકાથી કોઈ પણ મોલ્ડ કે ડાઈનો ઉપયોગ કર્યા વગર, સાક્ષાત માતા પાર્વતીના વાત્સલ્ય ભાવ સાથે દક્ષિણ ભારતની વિશિષ્ટ ટેરાકોટા માટીમાંથી શ્રીજીની સંપૂર્ણ નક્કર અને ઈકો-ફ્રેન્ડલી પ્રતિમાઓ ઘડી રહ્યા છે.

મનોહર ઘડતર અને કળાની સાધના : અઢી કલાકથી દોઢ દિવસની મહેનતે આકાર પામતા લંબોદર

દક્ષિણ ભારતથી ખાસ મંગાવવામાં આવતી લાલ રંગની પવિત્ર ટેરાકોટા માટીમાંથી શ્રીજીનું સર્જન કરવું એ અત્યંત ધૈર્ય અને સાધના માગી લેતું કાર્ય છે. હીરલબેનને 8 ઈંચની એક નાની પ્રતિમા બનાવવામાં અઢી થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે, જ્યારે 18 ઈંચની 45 થી 50 કિલો વજન ધરાવતી કાયાવાળી મૂર્તિના નિર્માણમાં એક થી દોઢ દિવસની અથાક મહેનત જાય છે. ટેરાકોટા માટીની ખાસિયત એ છે કે તે સુકાતાં તેમાં તિરાડો પડવાનું જોખમ રહે છે. આથી, પ્રતિમાના એક અંગ પર બીજુ અંગ કે આભૂષણો બેસાડતી વખતે માટીનો ભેજ જાળવી રાખવો અનિવાર્ય બને છે. દોઢ મહિના સુધી ચાલતી આ ભક્તિમય યાત્રામાં શ્રીજીનું મુખારવિંદ કુદરતી લાલ જ રખાય છે, જ્યારે વસ્ત્રો પર જળ-આધારિત (વોટર-બેઝ્ડ) રંગોનો જ ઉપયોગ થાય છે. આ વર્ષે 300 કિલો માટીમાંથી આવી ૩૩ મનમોહક મૂર્તિઓ હીરલબેને તૈયાર કરી છે.

પીઓપીના છળ સામે શુદ્ધ માટીનો ભરોસો : 100 વર્ષ જૂની પરંપરા ધરાવતા શેઠજી પરિવારની પસંદ

બજારમાં માટીના નામે નીચે પીઓપી (POP) નો બેઝ ધરાવતી મૂર્તિઓ વેચીને ભક્તો સાથે થતા છેતરાપિંડીના કિસ્સાઓ વચ્ચે હીરલબેનની આ શુદ્ધ મૂર્તિઓ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગત વર્ષે માટીની જગ્યાએ પીઓપી (POP) ની મૂર્તિ આવી જતાં, ઘરમાં વિસર્જન ન થવાના કારણે નદીએ જવું પડ્યું હોવાની ભારે મનોવ્યથા અનુભવનાર રક્ષાબેન જાધવ હોય કે પછી 100 વર્ષથી ગણેશ સ્થાપનાની પરંપરા જાળવી રાખનાર નવસારીનો શેઠજી પરિવાર. તમામે આ વર્ષે સંપૂર્ણ શુદ્ધ ટેરાકોટા માટીની મૂર્તિની જ પસંદગી કરી છે. ભક્તોનું માનવું છે કે ઘરમાં મોટા ટબ કે તપેલામાં વિસર્જન કર્યા બાદ આ પવિત્ર માટીને ઘરના બગીચાના છોડવામાં આપવાથી બાપ્પાની છાયા અને આશીર્વાદ આખું વર્ષ ઘરમાં જળવાઈ રહે છે.

પ્રકૃતિ રક્ષા એ જ સાચી ગણેશ ભક્તિ : વિસર્જનની વિસંગતતાઓ સામે પર્યાવરણ જાગૃતિનો સંદેશ

ગણેશોત્સવ એ માત્ર આનંદ અને ઉત્સવનો પ્રસંગ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારીનું પણ પ્રતીક છે. દર વર્ષે ઉત્સવ પૂરો થયા બાદ પીઓપી (POP ) અને ઝેરી રાસાયણિક (harmful camicals) રંગોવાળી મૂર્તિઓના વિસર્જનથી નદીઓ, તળાવો અને જળચરો ભારે પ્રદૂષણનો ભોગ બને છે, જે ધાર્મિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત દુઃખદ છે. નવસારીમાં ટેરાકોટા માટીમાંથી બનેલી આ મૂર્તિઓ સમાજને એક નવી રાહ ચીંધે છે. જો દરેક ભક્ત શુદ્ધ માટીની પ્રતિમાની સ્થાપના કરીને ઘરમાં જ વિસર્જન કરવાનો સંકલ્પ લે, તો જળસ્રોતો પ્રદૂષિત થતાં બચશે. સાચી ગણેશ ભક્તિ ત્યારે જ સાર્થક ગણાશે, જ્યારે આપણે વિઘ્નહર્તાની આરાધના સાથે તેમણે સર્જેલી સૃષ્ટિ અને પર્યાવરણનું પણ જતન કરીશું.

Continue Reading

તહેવાર

હોદ્દો નાનો પડ્યો, હેત જીતી ગયુ : નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના કાંડે બંધાયું બહેનોનું રક્ષાકવચ

Published

on

By

દિલ્હી અને નૂતન સંસદ ભવન પ્રવાસની અનોખી ભેટ મળતાં બહેનોમાં આનંદનો માહૌલ

નવસારી : સત્તા અને પદના સીમાડા જ્યારે લાગણીના પવિત્ર પ્રવાહ સામે ઓગળી જાય છે, ત્યારે રક્ષાબંધન જેવા તહેવારો સાચા અર્થમાં સાર્થક થતા હોય છે. દેશના જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની નવસારી મુલાકાત દરમિયાન રાજકીય ગંભીરતા બાજુ પર રહી ગઈ હતી અને નવસારી સર્કિટ હાઉસ ખાતે માત્ર ને માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનો રંગ જોવા મળ્યો હતો.

રેશમના દોરામાં બાંધ્યો દીર્ઘાયુ અને અવિરત દેશસેવાનો વિશ્વાસ

​દિલ્હીના કાર્યો અને દેશસેવાની વ્યસ્તતા વચ્ચે પણ જ્યારે લાગણીનો તાર જોડાય છે, ત્યારે સમય આપોઆપ નીકળી જાય છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા ત્યારે ભાજપ મહિલા મોર્ચાની બહેનો પોતાના લાડકા ભાઈને રાખડી બાંધવા ઉમટી પડી હતી. મંત્રી કે સાંસદના કોઈ પ્રોટોકોલ વગર, બહેનોએ પોતાના ભાઈના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત દેશસેવા માટે પ્રાર્થના કરી તેમના કાંડા પર રક્ષાકવચ બાંધ્યું હતું.

​ભાઈની અનોખી ભેટ : બહેનોને મળ્યું દિલ્હી અને સંસદ ભવન જોવાનું નિમંત્રણ

​બહેનોના આ નિર્મળ પ્રેમે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલનું હૃદય પણ જીતી લીધું. ભાઈએ પણ બહેનોને એક એવી અનન્ય ભેટ આપી કે જેનાથી બહેનોના હરખનો પાર ન રહ્યો! સી. આર. પાટીલે તમામ બહેનોને આશીર્વાદ આપવાની સાથે ખાસ ‘દિલ્હી આવવાનું નિમંત્રણ’ આપ્યુ હતું. દેશનું નવું સંસદ ભવન અને દિલ્હીના પ્રવાસની ભેટ મળતા જ બહેનોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.

ભાઈ બહેનના સબંધમાં ઉચ્ચ હોદ્દો નહીં, પણ હેત સર્વોપરી

કાંડા પર બંધાયેલી રેશમી દોરી જ્યારે સત્તાના શિખરો પર બેઠેલા ભાઈને પણ જમીન સાથે જોડાઈ રહેવાની પ્રેરણા આપે, ત્યારે જ રક્ષાબંધનનો તહેવાર સાર્થક બને છે. નવસારીમાં સર્જાયેલો આ લાગણીસભર પ્રસંગ સાબિત કરે છે કે સંબંધોમાં હોદ્દો નહીં, પણ હેત જ સર્વોપરી હોય છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ગુજરાત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ – 2031 માટે સજ્જ : વર્લ્ડ એથ્લેટિકસ ડેલિગેશન ગુજરાતમાં

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે  ડેલિગેશનના સભ્યોએ કરી બેઠક

ગાંધીનગર : એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનાં પાંચ સભ્યોનું ડેલિગેશન પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ – 2031 યજમાની માટે ગુજરાતની સજ્જ્તા અને ઇંફ્રાસ્ક્ટ્રક્ચરના નિરિક્ષણ અર્થે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ડેલિગેશનના સભ્યો તેમજ બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીએ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેથક કરી હતી.

વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન બે દિવસના ગુજરાતના પ્રવાસે

આગામી 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર – 20 ચેમ્પીયનશીપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ 2031 ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. ત્યારે વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ અને નિરીક્ષણ માટે 22 અને 23 જૂન 2026 બે દિવસિય ગુજરાતના પ્રવાસે છે. જેમા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ડેલિગેશનના સભ્યોએ ગાંધીનગર ખાતે મુલાકાત કરી, એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેથક બાદ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

ગુજરાતને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 ની યજમાની મળે એ માટે મુખ્યમંત્રી આશાવાદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ – મૂલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ. ગુજરાત સરકાર આ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031 ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે.  આ મૂલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ, કોમનવેલ્થ ગેઈમ્સ – 2030 સહિત વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ છે અને આ હેતુસર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કરાઈ એકેડમી જેવા સ્થળોએ આવી વિશ્વ સ્તરીય રમતોના આયોજન માટેની સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.

બેઠકમા અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

આ મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ, આદીલ સુમારીવાલા, વાઈસ પ્રેસીડન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement

Trending