વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં CCTV એનાલિસિસ મહત્વપૂર્ણ સાબિત થયું
નવસારી : નવસારી શહેરમાં થોડા સમય અગાઉ થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં નવસારી ટાઉન પોલીસને સફળતા મળી છે. પોલીસે CCTV ફૂટેજ ખંગાળવા સાથે હ્યુમન રિસોર્સની મદદથી કબીલપોરના યુવાનને ચોરીની એક્ટિવા મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો.
CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસનો સકંજો કસાયો
મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસ મથકના ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી, કમાન્ડ એન્ડ કંટ્રોલ (નેત્રમ) તથા અન્ય ખાનગી CCTV કેમેરાઓના ફૂટેજનું ઝીણવટભર્યું એનાલિસિસ કર્યુ હતુ સાથે જ ખાનગી બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમિયાન ટાઉન PI કે. ડી. નકુમ અને સર્વેલન્સ સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે HC જીતુભાઈ હરતાનભાઈ અને PC હિમાંશુભાઈ અશોકભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શહેરના કબીલપોર વિસ્તારના કોળીવાડ ખાતે રહેતા 20 વર્ષીય અને મજૂરી કામ કરતા હર્ષ જગદીશ નાયકાની વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. સાથે જ તેના ઘર આંગણેથી ચોરી થયેલી 40 હજારની એક્ટિવા મોપેડ કબ્જે કરી, આગળની તપાસને વેગ આપ્યો છે.