નવસારી શહેર અને ગ્રામ્ય વિભાગીય કચેરીઓનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત
નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારની વિભાગીય કચેરીઓ તેમજ નવસારી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના 11.57 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા અદ્યતન નવીન ભવનનું રાજ્યના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ 2.87 લાખથી વધુ વીજ ગ્રાહકોને ઝડપી, પારદર્શક અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
3085 ચો.મી. માં બનશે અદ્યતન ભવન ; 2.87 લાખ ગ્રાહકોની સુવિધામાં થશે વધારો
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવસારી શહેર અને ગ્રામ્ય વિભાગીય કચેરીઓ માટે GETCO તરફથી ટૂંકા સમયગાળામાં જમીનની ફાળવણી કરવામાં આવતા હવે 11.57 કરોડના ખર્ચે 3085.48 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા સાથે (ગ્રાઉન્ડ + ત્રણ ફ્લોર) બે અદ્યતન નવીન ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. આ નવી કચેરીઓ કાર્યરત થવાથી નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળના 188 ગામોના 1,48,320 ગ્રાહકો તેમજ નવસારી શહેર વિભાગીય કચેરી હેઠળના 15 ગામો અને મહાનગરપાલિકા વિસ્તારના 1,39,211 ગ્રાહકો મળી કુલ 2,87,531 વીજ ગ્રાહકોને એક જ છત નીચે ઉત્તમ સેવાઓ મળી રહેશે. સાથોસાથ કચેરીના કર્મચારીઓને પણ આરામદાયક બેઠક વ્યવસ્થા, પેન્ટ્રી અને શુદ્ધ પીવાના પાણી જેવી સુવિધાઓ મળતા તેમની કાર્યદક્ષતામાં નોંધપાત્ર વધારો થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈએ DGVCLના અધિકારીઓ અને કર્મચારીઓની પીઠ થાબડતા જણાવ્યું હતું કે, રાજ્યની ચાર વીજ કંપનીઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો વીજ લોસ સામાન્ય કરતા પણ ઓછો છે અને સમગ્ર ભારતની 70 વીજ કંપનીઓમાં DGVCL અવ્વલ સ્થાન ધરાવે છે, જે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ગૌરવની બાબત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં ‘સૂર્ય ગુજરાત’ અને ‘પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી’ યોજના હેઠળ સોલાર ઊર્જાનો વપરાશ વધવાથી વીજ કંપનીઓને અંદાજે 155.20 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થયો છે, જ્યારે ગ્રાહકોએ પણ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી વધારાની વીજળી વેચીને અંદાજે 1 કરોડ સુધીની આવક મેળવીને આર્થિક સદ્ધરતા હાંસલ કરી છે.
વિકાસના આ મહત્વપૂર્ણ અવસરે પત્રકારોને સંબોધન દરમિયાન રાજ્યના નાણામંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ અજાણતામાં મોટો ભાંગરો વાટ્યો હતો. સંબોધનના પ્રવાહમાં મંત્રીએ નવસારીના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનો ઉલ્લેખ ‘નવસારી વિસ્તારના ધારાસભ્ય’ તરીકે કરી દીધો હતો. જિલ્લાના પ્રભારી મંત્રી દ્વારા જ સાંસદ અને કેન્દ્રીય મંત્રીના હોદ્દામાં આ પ્રકારની ચૂક થતા મંચ પર ઉપસ્થિત આગેવાનોમાં ઘડીભર માટે હળવી રમૂજ સાથે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. જોકે, વિકાસકાર્યોના ઉત્સાહ વચ્ચે આ પ્રસંગ શહેર-જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની રહ્યો છે.