Connect with us

અપરાધ

બીલીમોરાના પિતા-પુત્ર વરસાદી કાંસમાં પડ્યા, પિતાનો બચાવ, પુત્રનું ડૂબી જતા મોત

Published

on

પાલિકાએ બનાવેલી વરસાદી કાંસની બોક્ષ ડ્રેનેજના બહારનાં છેડેથી 6 કલાકે મૃતદેહ મળ્યો

નવસારી : નવસારીમાં આજે સવારે બે કલાકમાં પડેલા મુશળાધાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેમાં પારસી હોસ્પિટલ તરફ જતા રસ્તામાં પાલિકાના શોપિંગ સેન્ટર પાસે કેળ સમા પાણી હોવાથી પિતા-પુત્ર પાલિકાના બંધ પડેલા શોપિંગ સેન્ટરના ઓટલા પરથી સામે છેડે જવા નીકળ્યા હતા. પરંતુ દુકાનોના ઓટલો સળંગ ન હોવાની વાતથી અજાણ પિતા-પુત્ર વરસાદી કાંસની બોક્ષ ડ્રેઈનમાં પડ્યા હતા. જેમાં સ્થાનિક યુવાનોએ દોડીને પિતાનો હાથ પકડી બહાર કાઢી લીધા હતા, પણ પુત્ર પાણીમાં ડૂબીને તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નવસારી ફાયર અને NDRF ની ટીમે 6 કલાકની મહેનત બાદ યુવાનના મૃતદેહને શોખી કાઢ્યો હતો. યુવાન પુત્રના મોતથી શીખ પરિવારમાં માતમ છવાયો હતો.

શોપિંગ સેન્ટર વરસાદી કાંસ પર બનેલું હોવાથી, પાલિકાએ કાંસની જગ્યા ખુલ્લી રાખી હતી

ગણદેવી તાલુકાના તલોધ ગામે રહેતો 19 વર્ષીય વીરસીંગ સૂરજસીંગ સરદાર કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો. જેથી ગત શનિવારે નવસારીના જય શંકર પાર્ટી પ્લોટ ખાતેના સેન્ટર પર ILTS ની પરીક્ષા આપવા પોતાના પિતા સૂરજસીંગ સાથે આવ્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ વીરસીંગ અને તેના પિતા પરત ફરી રહ્યા હતા, ત્યારે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ પાલિકાના શોપિંગ સેન્ટરથી પારસી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર કેળ સમા પાણી ભરાય જતા, કેવી રીતે જવું એ માટે બંને મુંઝાયા હતા. દરમિયાન પાણીમાંથી જવા કરતા પાલિકાના બંધ પડેલા શોપિંગ સેન્ટરનો ઓટલો દેખાતા, બંનેએ ઓટલા પરથી આગળ વધવાનું નક્કી કરી, ઓટલા પર ચઢ્યા હતા અને ત્યાંથી આગળ ચાલ્યા હતા. પરંતુ વરસાદી કાંસ પર શોપિંગ સેન્ટર બનાવવાને કારણે કાંસની બંને તરફ દુકાનો બનાવી હતી અને કાંસ ખુલ્લી રાખી હોવાની વાતથી અજાણ વીરસીંગ અને તેના પિતા જેવા કાંસ નજીક પહોંચ્યા, ત્યાં આગળ પગ મુકતા જ વીરસીંગ પાણીમાં કાંસના ધસમસતા પ્રવાહમાં પડ્યો હતો, જેની પાછળ તેના પિતા સુરજસીંગ પણ પડ્યા હતા. જેથી ઓટલા પર ઉભેલા સ્થાનિક યુવાનોએ તરત જ સૂરજસીંગનો હાથ પકડી, તેમને બહાર કાઢી લીધા હતા, પણ વીરસીંગ વમળ સાથે કાંસમાં તણાઈને ગુમ થયો હતો.

ફાયરના જવાનોએ કલાકો મહેનત કરી, પણ વીરસીંગ ન મળ્યો..!!

યુવાનોએ તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ શોપિંગ સેન્ટર તરફની કાંસની ખુલ્લી જગ્યા સાથે જ પાછળની તારફ બોક્ષ ડ્રેઈન જ્યાં ખુલ્લી કાંસમાં ભલે છે, ત્યાં વીરસીંગને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલાકો વીતવા છતાં વીરસીંગનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન વીરસીંગના પરિવારજનોને ઘટનાની જાણ થતા, તેઓ પણ નવસારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગુમ થયેલા વીરસીંગને શોધી લાવવા વરસાદી કાંસમાં કૂદવાની તૈયારી બતાવવા સાથે ભારે આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું.

NDRF નવસારી પહોંચ્યા ના બે કલાકમાં જ મૃતક વીરસીંગનો મૃતદેહ શોધી કાઢ્યો..!!

ઘટનાની જાણ થતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ગણદેવીના ભાજપી આગેવાનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સ્થિતિ જાણ્યા બાદ તેમણે બીલીમોરામાં સ્ટેન્ડ બાય NDRF ની ટીમને નવસારી બોલાવી હતી. NDRF ના જવાનોએ નવસારી પહોંચ્યાના લગભગ 2 કલાકમાં ગુમ વીરસીંગના મૃતદેહને શોપિંગ સેન્ટરના પાછળની ખુલ્લી કાંસમાંથી શોધી કાઢ્યો હતો.

પરિવારે મૃતક વીરસીંગના PM ની ના પાડી, પોલીસે પિતાનું નિવેદન લઇ મૃતદેહ પરિવારને સોંપ્યો

વરસાદી કાંસમાંથી મૃતક વીરસીંગનો મૃતદેહ અંદાજે 6 કલાક બાદ મળ્યો હતો. જેમાં પરિવારજનોએ મૃતકનું પોસ્ટ મોર્ટમ ન કરવા માટેની માંગ કરી હતી. જેથી પોલીસે સમગ્ર ઘટનામાં પોલીસ ફરિયાદ કરવી હોય, તો PM જરૂરી હોવાનું સમજાવ્યું હતું. પરંતુ પરિવારે PM માટે નાં પાડતા પોલીસે મૃતકના પિતા સુરજસીંગનું વિડીયો રેકોર્ડીંગ સાથે નિવેદન નોંધી, મૃતક વીરસીંગના મૃતદેહને પરિવારને સોંપ્યો હતો.

અપરાધ

ખારેલ બ્રિજ પાસેથી 3.40 લાખના દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલક પકડાયો

Published

on

By

ગણદેવી પોલીસે કુલ 5.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

નવસારી : દક્ષિણ ગુજરાતમાં દારૂની ગેરકાયદે હેરાફેરી પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સતત વોચ અને મોનિટરિંગ રાખવામાં આવતું હોય છે. આ ઝુંબેશના ભાગરૂપે ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ નીચેથી 3.40 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે વાહન તથા અન્ય સામગ્રી મળી કુલ 5.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે.

તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો

મળતી માહિતી અનુસાર, ગણદેવી પોલીસના PI એન. આઈ. રાઠોડ અને PSI એન.એ. પટેલની માર્ગદર્શિકા હેઠળ ખારેલ આઉટ પોસ્ટના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન PSI એન.એ. પટેલ તથા ASI નિલેશભાઈને મળેલી સચોટ બાતમી આધારે ખારેલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. સેલવાસ અને વાપી તરફથી સુરત જઈ રહેલા ટેમ્પોને રોકીને તપાસ કરતા, બ્લ્યુ કલરની તાડપત્રી હેઠળ છુપાવેલ 3.40 લાખ રૂપિયાની વ્હિસ્કી તથા બિયરની કૂલ 1152 બાટલીઓ મળી આવી હતી.

ઉમરગામના ચાલકની ધરપકડ, વડોદરાના બે આરોપી વોન્ટેડ

પોલીસે ઘટના સ્થળેથી ટેમ્પો ચાલક અને વલસાડ જિલ્લાના ઉંમરગામ ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના 27 વર્ષીય નરેન્દ્રસીંગ પરસ્તેની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો ભરી આપનાર વડોદરાના સોનુસીંગ અને મંગાવનાર ‘કાકા’ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે આ બંને વોન્ટેડ આરોપીઓ સામે પણ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

અપરાધ

નવસારીમાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : અંબિકા નદીમાં ડ્રોનથી ગેરકાયદે રેતી ચોરી પકડી

Published

on

By

જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળથી ચાલતા કાળા કારોબાર પર ડ્રોનનું ‘હવાઈ સર્વેલન્સ’

નવસારી ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા અંબિકા નદીપટ્ટમાં એક ગુપ્ત સર્ચ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંત શિરોયા, માઇન્સ સુપરવાઇઝર સંદીપ રાઉત અને સ્પેશિયલ ડ્રોન ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા ગામની સ્મશાન ભૂમિ પાછળથી પસાર થતી અંબિકા નદીના દુર્ગમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે આધુનિક ડ્રોન સર્વેલન્સની મદદથી નદીના પેટાળમાંથી યાંત્રિક બાજ (બોટ) વડે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પદ્ધતિને રંગેહાથ ઝડપી પાડીને માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

ગેરકાયદે ખનન કરનારા માફીયાઓ સામે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Continue Reading

અપરાધ

નેશનલ હાઈવે પર બલવાડા પાસેથી 3.50 લાખનો દારૂ ભરેલ કાર સાથે બેની ધરપકડ

Published

on

By

લકઝરી કારથી પાયલોટીંગ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ

નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ સુરત તેમજ આગળના જિલ્લાઓમાં ખેપિયાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે ચીખલી પોલીસે લક્ઝરીયસ કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજ નજીકથી 3.50 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે વલસાડના બે ખેપિયાઓની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની કારનું પાયલોટિંગ કરતી લકઝરી કારમાં સવાર મુખ્ય સૂત્રધાર સાથે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

સેલવાસથી દારૂનો જથ્થો ભરી કડોદરા સપ્લાય કરવાનો ખેલ પકડાયો

મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસના PI પી.બી. પટેલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના PSI આર.એન. વાડલે અને કર્મચારીઓ ખાનગી વાહનોમાં હાઈવે પર પેટ્રોલીંગમાં હતા. દરમીયાન સર્વેલન્સ ટીમના ASI અલ્પેશભાઈ અને HC મહેન્દ્રભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજના ઉત્તર છેડે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમીયાન શંકાસ્પદ રીતે પસાર થતી એક સફેદ રંગની કારને પોલીસે આંતરી, તેને અટકાવી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી 3,50,640 રૂપિયાની 25 પુંઠાના બોક્સમાંથી વ્હિસ્કી તથા ટીન બિયર મળી કુલ 1020 બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 5 લાખની કાર, 2 મોબાઈલ અને દારૂ મળી કુલ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કારચાલક અને વલસાડના ઉદવાડા તાલુકાના સરોધી ગામે રહેતા મીતકુમાર ઉર્ફે મીતલો માહ્યાવંશી અને વલસાડના વાપી તાલુકાના બલીઠા ગામે રહેતા અક્ષયકુમાર રાઠોડની સ્થળ પરથી ધરપકડ કરી હતી.

લકઝરી કાર વડે પાયલોટીંગ કરનાર નવસારીનો બુટલેગર ‘આઝાદ લંગડો’ વોન્ટેડ જાહેર

પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરીને સુરતના કડોદરા ખાતે સપ્લાય કરવાનો હતો. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર નવસારીના લક્ષ્મી ટોકીઝ પાછળ રહેતો નસીમુદ્દીન ઉર્ફે ‘આઝાદ લંગડો’ છે, જેણે સેલવાસથી દારૂ ભરાવ્યો હતો અને પોતાની લકઝરી કાર વડે આગળ પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સુરત તરફ રવાના કરાવ્યો હતો. ચીખલી પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી આઝાદ લંગડો તેમજ કડોદરા ખાતે દારૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કરી, તપાસને વેગ આપ્યો છે.

Continue Reading
Advertisement

Trending