ગુજરાત

નવસારીમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક શ્રી શનિદેવ મંદિર અને દરગાહ

Published

on

શનિ મંદિર અને દરગાહની દિવાલ એક, પણ અહિંના લોકોના દિલોમાં દિવાલ નથી…

નવસારી : ભારતની સર્વોચ્ચ અદાલતે સદીઓ જુના અયોધ્યામાં રામ જન્મ ભુમિના વિવાદ મુદ્દે વિવાદિત જમીન રામ લલ્લાને સોંપવાનો અને મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જગ્યાએ 5 એકડ જમીન આપવાનો ચુકાદા આપ્યો છે. જેને કેટલાક મુસ્લિમ આગેવાનોએ સંતોષકારક નથી માન્યો અને આગળની કાયદાકિય કાર્યાવાહી માટે વિચારી રહ્યા હોવાનુ પણ જાહેર કર્યુ છે. ત્યારે નવસારીના જુનાથાણા સ્થિત રામજી મંદિર નજીક હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન થાય છે. અહીં વાત છે નવસારીના જુનાથાણા ખાતે આવેલા શ્રી શનિદેવ મંદિર અને દરગાહની. જ્યા મંદિર અને દરગાહની દિવાલ એક જ છે અને અહીં લોકો ઈબાદત સાથે પ્રાર્થના કરતા જોવા મળે છે. સાથે જ અહિં આજે પણ બંને કોમ વચ્ચે વૈમનસ્ય નહીં, પરંતુ હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો અકબંધ રહ્યો છે

નવસારીના જુનાથાણા ખાતે રામજી મંદિર વિસ્તારમાં અંદાજે 100 વર્ષથી વધુ સમયથી હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની દરગાહ આવેલી છે. દરગાહ નજીક જ વિસ્તારના લોકો છેલ્લા 43 વર્ષોથી ગણેશોત્સવ ઉજવતા આવ્યા છે. જેમાં વિવિધ ધાર્મિક કથાનકોનું ડેકોરેશન કરવામાં આવે છે. વર્ષ 1996 માં અહીં શનિ શીંગણાપુરનું દૃશ્ય ઉભું કરાયુ હતું. જેમાં શ્રી શનિદેવ મહારાજની પ્રતિમા પત્થરમાંથી બનાવવામાં આવી હતી. ગણેશોત્સવ બાદ સ્થાનિકોએ શ્રી શનિદેવ મંદિર બનાવવાનું નક્કી કર્યું અને દરગાહની પાછળ આવેલા ઉંબરાના ઝાડ નીચે શ્રી શનિદેવ મહારાજની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિસ્થા કારાઈ હતી. શનિ મંદિર બનતા જ દરગાહ અને મંદિરની દિવાલ એક જ બની. પણ આ ઘટનાને પગલે અહીં હિન્દૂ-મુસ્લિમોમાં ભાઈચારાની ભાવના પ્રબળ જોવા મળી. મંદિરના સંચાલકો કહે છે ભલે મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ છે, પરંતુ અમારા હ્રદયમાં કોઇ દિવાલ નથી અને અમે પ્રેમ અને ભાઇચારાથી આજે પણ બંને ધર્મસ્થાનોના પ્રસંગો ઉત્સાહ અને શ્રધ્ધાથી ઉજવીએ છીએ. અહીં મુસ્લિમો મેં મહિનામાં 15 રજબના દિવસે બંને બાવાઓનો ઉર્ષ ધામધૂમથી ઉજવે છે. જેમાં વિસ્તારના હિંદુઓ પણ શ્રદ્ધાથી ઇબાદતમાં જોડાય છે.

શ્રી શનિ મંદિરમાં શનિવાર અને આમાસ સાથે પાટોત્સવ, શનિ જયંતિ અને રામનવમીના તહેવારો ધૂમધામથી ઉજવાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઊમટી પડે છે. શનિ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ શ્રી શનિ દેવની આરાધના સાથે હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની ઈબાદત પણ કરતા નજરે ચડે છે. જ્યારે અહીં એક વિશેષતા એ જોવા મળી કે દરગાહમા સળગતી લાઈટનો પાવર શનિ મંદિરમાંથી મળે છે અને પાણી માટે પણ મંદિરના નળનો ઉપયોગ થાય છે. દરગાહ પર ઇબાદત માટે આવતા મુસ્લિમ શ્રધ્ધાળુઓ કહે છે કે, ગત રોજ અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રિમ કોર્ટના ચુકાદો ભલે હિન્દુઓની જીત હોય, પણ આ અમારી જીત છે, અયોધ્યાની જમીન કરતા જુનાથાણા સ્થિત મદિર-દરગાહને પગલે હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની જીત છે.

દિવસે દિવસે જ્યાં શ્રી શનિદેવ મંદિર નવસારી સહિત આસપાસના ગામોમાં શ્રધ્ધાનો પર્યાય બની રહ્યું છે, ત્યાં શ્રદ્ધાળુઓને બંને બાવાઓની દરગાહનો પણ અલૌકિક અનુભવ થાય છે. લોકો શનિ મહારાજ સાથે હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની ઈબાદત પણ એટલીજ શ્રદ્ધાથી કરે છે. સાથે જ દેશમાં કોમવાદ વધી રહ્યો છે, ત્યારે જુનાથાણાનું શનિદેવ મંદિર અને દરગાહ કટ્ટરતા અને નફરત ફેલાવતા લોકો માટે પ્રેમનો સંદેશ સમાન છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version