રાજકારણ

મહારાષ્ટ્રમાં રાજ રમત, ભાજપે અન્યો પક્ષોને પછાડી મેળવી સત્તા !!

Published

on

મહારાષ્ટ્રમાં ફરી દેવેન્દ્રનું રાજ, અજીત પવાર ઉપમુખ્યમંત્રી

મુંબઇ : મહારાષ્ટ્રની રાજગાદી માટેની રાજકીય પક્ષોની લડાઈની ચરમસીમા વચ્ચે જ્યાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન મજબુત કરવાના પ્રયાસોમાં હતા, ત્યાં જ ભાજપે અડધી રાતે રાજ રમતનો માસ્તર સ્ટ્રોક મારીને આજે ફરી મહારાષ્ટ્રનું રાજ દેવેન્દ્ર ફડવનીસને સોંપ્યું છે. જયારે એનસીપીના અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવી શિવસેનાનાં સપના પર પાણી ફેરવ્યુ છે. જોકે ભાજપ સાથેનાં એનસીપીના ગઠબંધનવાળી સરકાર મુદ્દે એનસીપી સુપ્રીમો શરદ પવારે ભાજપ સાથેનાં સંબંધનો નિર્ણય અજિત પાવરનો વ્યક્તિગત નિર્ણય હોવાની માહિતી ટ્વીટ કરી હતી. ઉલ્લેખનીય છે કે હજુ વિધાનસભામાં ભાજપે ફ્લોર ટેસ્ટમાં ૧૪૫ ની સંખ્યા એટલે કે બહુમતી મેળવવી પડશે.

હિન્દુત્વના વિચાર સાથે મહારાષ્ટ્રમાં મજબુત પકડ ધરાવતી શિવસેના સાથે ભાજપની વર્ષોની મિત્રતા વિધાનસભા ચુંટણી બાદ સત્તાનાં સુકાનને લઇને વિવાદમાં આવી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ ફરી દેવેન્દ્રને રાજ સોંપવા માંગતું હતું અને તેની જાહેરાત ભાજપના ચાણાકય ગણાતા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પહેલા જ કરી ચુક્યા હતા. પરંતુ શિવસેનાએ આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો જ હોવાની જીદ પકડતા મુખ્યમંત્રીનું કોકડું ગુચવાયું હતું. જેમાં પણ બંને પક્ષોએ એક બીજાને દગાબાજ ગણાવી સરકાર રચવા મુદ્દે વિરોધી પક્ષો તરફ નજર માંડી હતી. અંતે ભાજપે થોડા સમય માટે પીછે હટ કરી અને શિવસેનાએ સરકાર બનાવવા માટે ભાજપથી અલગ જઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મંત્રણાઓ શરૂ કરી હતી. જોકે મહારાષ્ટ્રમાં એક પણ પક્ષે સ્પષ્ટ બહુમત ન હોવાને કારણે સરકાર બનાવવામાં અસમર્થ રહેતા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગાવી દેવામાં આવ્યું હતું. દરમિયાન શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સત્તાની વહેંચણી મુદ્દે બેઠકોનો દોર શરૂ થયો હતો, જેનો અંત શુક્રવારે સાંજે આવ્યો હોય એવું જણાયું અને બેઠકને અંતે એનસીપી સુપ્રીમો શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હશેની વાત કરી હતી. જયારે શિવસેના સુપ્રીમો ઉદ્દ્ધાવ ઠાકરેએ પણ આનંદિત સ્વરમાં મહારાષ્ટ્રની સરકાર શિવસેનાના દમ પર બનવાના સંકેત આપી હજુ વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતું. જોકે રાત પડતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. રાજ રમતનો એવો દાંવ ભાજપે લગાવ્યો કે અડધી રાતે જ મહારાષ્ટ્રના ગઠબંધનના તમામ સમીકરણો બદલાયા અને આજે શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટી પણ ગયું અને સવારે ભાજપ અને એનસીપીના ગઠબંધનમાં નવી સરકારે શપથ વિધિ પણ આટોપી લીધી. જેમાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપનાં દેવેન્દ્ર ફડનવીસનું રાજ સ્થપાયું. જેમાં એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે ભાજપના ૧૦૫ ધારાસભ્યો સાથે અજિત પવાર તેમજ તેમના સમર્થક ધારાસભ્યો મળીને પણ સરકાર બનાવવા માટેની બહુમતી મેળવી શક્યા નથી. જેથી વિધાન સભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન ભાજપે બહુમતી મેળવવા માટે હજુ ઘણા દાંવ ખેલવા પડશે…

મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનાં સહકારથી રચાયેલી નવી સરકારે સવાર સવારમાં જ શિવસેનાનું મુખ્યમંત્રીનું સપનું તોડી નાખ્યું હતું. સાથે જ ભાજપ-એનસીપી યુતિથી કોંગ્રેસ પણ અચંભામાં મુકાઈ ગઈ હતી. જોકે સમગ્ર મુદ્દે એનસીપી સુપ્રીમો શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યુ કે અજિત પાવરનો ભાજપને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સમર્થનનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) નો નથી. અમે એમના નિર્ણયને સમર્થન નથી કરતા.

બીજી તરફ ભાજપના દેવેન્દ્ર ફડનવીસ મુખ્યમંત્રી બનતા શિવસેનાએ પણ આકરા પ્રહારો કર્યા હતા. શિવસેનાનાં સંજય રાઉતે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે ભાજપે રાત્રી દરમિયાન જે પાપ કર્યું છે, એ મહારાષ્ટ્રના લોકતંત્ર માટે શરમજનક વાત છે. આ રાત્રી દરમિયાન ચોરી અને લૂટ ચલાવવા બરાબર છે. ભાજપના સમર્થન મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે વાત થઇ છે અને બંને નેતાઓ આ મુદ્દે મળી પણ શકે છે અને કદાચ પત્રકારોને પણ સંયુક્ત પણે સંબોધન કરી શકે છે.

Click to comment

Trending

Exit mobile version