ફૂવારાથી રેલી કાઢી, જિલ્લા ન્યાયાધીશે સંવિધાનના આમુખનું કર્યું વાંચન
નવસારી : વિશ્વના સૌથી મોટા એવા ભારતીય બંધારણનાં નિર્માણને આજે ૭૦ વર્ષ પૂર્ણ થતા નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ૭૦માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વકીલો, દાબુ લોં કોલેજ તેમજ શહેરની શાળાઓનાં બાળકોએ રેલી કાઢી હતી, જ્યારે જિલ્લા મુખ્ય ન્યાયાધીશની ઉપસ્થિતિમાં સંવિધાનનાં આમુખનું વાંચન કરી લોકોને જાગૃત બનવા અપીલ કરવામાં આવી હતી.
ભારતના સંવિધાનને ડૉ. બાબા સાહેબ આંબેડકરની ટીમ દ્વારા ૨૬ નવેમ્બર ૧૯૪૯ નાં દિને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યું હતુ. વિશ્વમાં સૌથી મોટુ ગણાતા ભારતના બંધારણનાં દેશને અર્પણ થયાના દિવસ એટલે ૨૬ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભારતના બંધારણે ૭૦ વર્ષો પૂર્ણ કર્યા છે, જેને ઉજવવા નવસારી કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેરના ફૂવારા સ્થિત ગાંધી પ્રતિમાને પૂષ્પ વંદના કર્યા બાદ લોં કોલેજના વિદ્યાર્થીઓ, વકીલો અને શાળાના બાળકો સાથે રેલી કાઢી હતી. રેલીમાં પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથે નવસારીના લોકોને સંવિધાન દિન પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો થયા હતા. ત્યાર બાદ નવસારી જિલ્લા કોર્ટ પરિસરમાં જિલ્લા મુખ્ય ન્યાયાધીશ, જિલ્લા એડીશનલ ન્યાયાધીશ, ફેમીલી ન્યાયાધીશ તેમજ તાલુકા કોર્ટના ન્યાયાધીશો તથા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તથા વકીલોની ઉપસ્થિતિમાં ફેમીલી કોર્ટના ન્યાયાધીશ પી. જે. ડાંગરે ભારતના સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું. જયારે એડીશનલ જિલ્લા ન્યાયાધીશ સારંગા વ્યાસે બંધારણ દ્વારા મળેલા હક્કોનું વાંચન કરીને ઉપસ્થિતોને બંધારણ પ્રત્યે જાગરૂકતા કેળવવાની અપીલ કરી હતી.