નવસારી

ચાર વર્ષથી અટકેલા બેડમાળ અંકલાછ માર્ગ માટે રી ટેન્ડરીંગ થશે

Published

on

જિલ્લા પંચાયતની સામન્ય સભામાં વિપક્ષના કામો ન થતા હોવાના આક્ષેપો

નવસારી : નવસારી જિલ્લા પંચાયતની નવા વર્ષની પ્રથમ સામાન્ય સભા વિકાસના કામોને લઇને વિવાદમાં રહી હતી. જેમાં ખાસ કરીને રસ્તા, આરોગ્ય સબ સેન્ટરોમાં સ્ટાફનો અભાવ જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. સભામાં પંચાયત સભ્યોને ટીબી નાબુદી અર્થે આરોગ્ય વિભાગના ડોક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

નવસારી જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૦ ની પ્રથમ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. અમીતાબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં વિકાસનાં કામોને લઇને કોંગ્રેસી સભ્યોનાં વિસ્તારોમાં કામો ન થતા હોવાના અને ગ્રાન્ટ પણ ન ફાળવાતી હોવનાં વિપક્ષે આક્ષેપો કર્યા હતા. જયારે વાંસદા તાલુકામાં ૧૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બેડમાળથી અંકલાછ જતો માર્ગ ચાર વર્ષો અગાઉ વર્ષ ૨૦૧૬ માં મંજૂર થયો હતો. જેને કોન્ટ્રાકટર આજ દિન સુધી પૂરો નથી કરી શક્યો અને અધુરા માર્ગમાં ઘણા અકસ્માતો થયા છે અને કેટલાકે જીવ પણ ગુમાવવા પડ્યા હોવાના વિપક્ષી નેતા બારૂક ચોધરીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના જવાબમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. અમિતા પટેલે જે તે કોન્ટ્રાકટરને બદલી, રી ટેન્ડરીંગની પ્રક્રિયા કરવાની વાત કરી હતી. સાથે જ હાલના કોન્ટ્રાકટર પાસેથી પેનલ્ટી વસુલવાની પણ વાત કરવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય વિભાગના સબ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રંગવા તેમજ સમારકામ મુદ્દે વિપક્ષી નેતાએ સવાલ કર્યો હતો. જેમાં કેટલાક સેન્ટરો અડધા જ રંગેલા અને કેટલાકને સેન્ટરોને સંપૂર્ણ રંગી સમારકામ પણ કરવામાં આવ્યુ હતુ. જેનાં જવાબમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સુજીત પરમારે સરકાર દ્વારા પ્રથમ આગળના ભાગને જ રંગવા માટેની ગ્રાન્ટ આવી હતી અને બાદમાં સંપૂર્ણ સેન્ટર માટે ગ્રાન્ટ આવતા કેટલાક અધૂરા રહ્યા હોવાનો જવાબ આપ્યો હતો.

વિપક્ષી સભ્ય મંજુલા પટેલે તેમના મત વિસ્તારમાં આવતા ચીખલી તાલુકાના ખુંધ ગામે પણ વિકાસના કામ ન થતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં પંચાયત પ્રમુખે વિકાસ કામો થતા જ હોવાની કેફિયત રજૂ કરી હતી. સાથે જ સબ આરોગ્ય કેન્દ્રો પર સર્પ દંશ વખતે રસીકરણની સુવિધા ન હોવાના પ્રશ્ન પર સરકારી નિયમ સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જ ઇન્જેક્શન હોવાની અને સ્ટાફ નર્સ દ્વારા જ અપાતું હોવાની કેફિયત રજૂ કરવામાં આવી હતી.

સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાથી વર્ષ ૨૦૧૯-૨૦ ના સ્વ ભંડોળના બજેટની જોગવાઈમાં પશુપાલન વિભાગમાં સેમીનાર, વાછરડી દોડ સહીતના કાર્યકાર્મો માટે ફાળવણી કરવામાં આવી હતી. સાથે જ પંચાયત સભ્યોને આરોગ્ય વિભાગ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ટીબી નાં રોગ ને વર્ષ ૨૦૨૨ સુધીમાં નાબુદ કરવાના અભિયાનમાં જોડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આ સાથે જ સભામાં ભાજપી સભ્યોને કાચના કપમાં અને કોંગ્રેસી સભ્યોને કાગળના કપમાં ચા અપાઈ, જેને લઇને વિપક્ષે ચા વાળાના રાજમાં ચાના કપમાં પણ અન્યાય થતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જયારે પંચાયત પ્રમુખે કપ ન હોવાથી આવું બન્યું છે, પરંતુ બીજીવાર તકેદારી રાખવાની કેફીયત રજૂ કરી હતી.

Click to comment

Trending

Exit mobile version