ડાયાબિટિસ કોઇ નવી બીમારી નથી, એ સદીઓથી ચાલતી આવતી બીમારી છે. જ્યારે વ્યક્તિ આળસું બને છે, ત્યારે આ બીમારી તેના જીવનમાં ઘર કરી જાય છે. આજે લાઇફ સ્ટાઇલમાં આવેલા મોટા બદલાવને કારણે આ બીમારી વધુમાં વધુ લોકોમાં ફેલાઇ રહી છે. આ વિચારો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મેટાબોલીક ડીઝીઝ પર યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં કહ્યા હતા. આ પ્રસંગે ભ્રહ્માકુમારી દાદી જાનકી, ભ્રહ્માકુમારી શિવાની દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદનાં પંડિત દિનદયાલ ઓડિટોરિયમમાં ‘મેટાબોલિક ડિઝિઝ’ પર આયોજીત બે-દિવસિય ઇન્ટરનેશનલ કોન્ફરન્સને ખુલ્લી મુકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતુ કે, આજે સ્વાસ્થ્ય પર સૌથી વધારે ખર્ચ થઇ રહ્યો છે. તેમ છતાંય લોકોની ભીડ પણ હોસ્પિટલમાં ઓછી નથી થઇ રહી. આ સમસ્યાનું માત્ર એક જ કારણ લોકોની જીવનશૈલીમાં આવેલું મોટું પરિવર્તન છે. વ્યક્તિએ પ્રકૃતિના સિદ્ધાંતથી વિપરીત રહીને પોતાની જીવનશૈલી અપનાવી છે, જેના કારણે આજે બીમારીઓ લોકોના જીવનમાં ઘર કરી રહી છે. આ બીમારીને અટકાવવા માટે દરેક વ્યક્તિએ સવારે યોગ કરવા જોઇએ અને બને એટલું ચાલવાનું રાખવું જોઇએ.
તેમણે આયુર્વેદનું ઉદાહરણ આપતા કહ્યું કે, આયુર્વેદ કહે છે કે આપણે એજ ભોજનનું સેવન કરવું જોઇએ જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ખેડૂતોના સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જેનાથી આવનારી પેઢીને સ્વસ્થ ભોજન મળી રહેશે. આજે ગુજરાતભરમાં મેં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૨૫,૦૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ સપ્તાહમાં ૧૦,૦૦૦ થી વધુ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ‘હોલિસ્ટિક હેલ્થ ફોર હેપ્પીનેસ’ પ્રોજેક્ટનું વિમોચન અને સમાજમાં યોગદાન આપવા બદલ ડોક્ટર્સને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ‘સ્વાસ્થ કોન-૨૦૨૦’ના ચેરમેન મયુર પટેલ, પ્રમુખ યશ પટેલ તેમજ ૨૦૦૦થી વધુ દેશ-વિદેશના ડોક્ટર્સ અને ડિલેગટ્સ ઉપસ્થિત રહ્યા હતા.