વલસાડ : વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડામંડળ દ્વારા બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે આયોજિત ૪૯મા વાર્ષિક રમતોત્સવના સમાપન અવસરે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરે વિજેતા ટીમોને અભિનંદન પાઠવી તેઓ જીવનમાં હરહંમેશ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે મંત્રી પાટકરે જણાવ્યું હતુ કે, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે, રમતમાં હોશિયાર વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રમત-ગમતમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓની ખબર પડે છે. હરિફાઇમાં હારજીત તો થાય છે, પરંતુ હારેલી ટીમોએ નિરાશ ન થતાં તેમાંથી બોધપાઠ લઇ નવેસરથી સારા પ્રયાસો હાથ ધરવા જોઇએ. કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને સમયપાલન અને પ્રામાણિક પ્રયાસો હાથ ધરવા જોઈએ. રમતની સાથે શિક્ષણમાં પણ અગ્રેસર બનવું જોઇએ, જેનાથી આગળ જવાનો અવસર પ્રાપ્ત થશે. રમતોત્સવના આયોજન માટે દાન આપનાર દાતાઓને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રમતોત્સવની રૂપરેખા આપી રમતનું મહત્ત્વ સમજાવ્યું હતું. શિસ્ત અનુશાસન રમતમાંથી મળે છે, જેથી દરેક વિદ્યાર્થી શિક્ષણની સાથે રમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો જોઇએ.
રમતોત્સવમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખો-ખો વગેરે સ્પર્ધાઓમાં જિલ્લાની ૭૧ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૧૯૦૦ કરતા વધુ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ટીમોને મંત્રી અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યા હતા.
આ અવસરે વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજ આહિર, શિક્ષણ નિરીક્ષક રાજેશ્રીબેન ટંડેલ, ક્રીડા મંડળના હોદ્દેદારો, ક્રીડા મંડળના ઉપપ્રમુખ અશ્વિન રાવલ, મંત્રી ધનસુખભાઇ ટંડેલ, સીનિયર કોચ અંકુર જોષી, અગ્રણી મહેશ ભટ્ટ, પી. એસ. દવે, રમતોત્સવ આયોજનના દાતાઓ, રમતોત્સવમાં ભાગ લેનારી શાળાના આચાર્યો, પી.ટી. શિક્ષકો, રમતવીરો તેમજ નગરજનો હાજર રહ્યા હતા.