કેશોદથી ગીરનાર તીર્થના છરી પાલિત સંઘ નિમિત્તે કરાઈ અનોખી સેવા
નવસારી : જગતમાં સ્વાર્થ વૃત્તિ પ્રબળ બની છે, ત્યારે જૈન સંપ્રાદાય પોતાની પરંપરા અનુસાર જીવદયા સાથે જ પરોપકારમાં પણ હંમેશા આગળ રહેતો આવ્યો છે. આવું જ ઉદાહરણ નવસારી જૈન સમાજના ચારેય સંઘોએ પુરૂ પાડ્યું છે. કેશોદથી ગીરનાર તીર્થના છરી પાલિત સંઘની યાત્રા પૂર્વે જૈન પરિવારોમાં કામ કરતા ૧૨૦૦ થી વધુ લોકો, જે જૈનોને તેમની સાધના અને આરાધનામાં સહાયક બનતા આવ્યા છે, તેમને રાશનની કીટ અર્પણ કરીને ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ગુરૂ ભગવંતોએ જીવનમાં માનવ સેવા એજ પ્રભુ સેવાની વાતો કરી છે. ખાસ કરીને જૈન સમાજ અહીસા અને જીવદયાને પ્રાધાન્ય આપે છે. ત્યારે પૂજ્ય ગુરૂ ભગવંતનાં આશીર્વાદ અને માર્ગદર્શનમાં નવસારીના જૈન સમાજના ચારેય સંઘોમાંથી કેશોદથી ગીરનાર તીર્થનાં છરી પાલિત સંઘની યાત્રામાં ઘણા જૈનો પણ યાત્રા કરશે. જે પૂર્વે જૈન સમાજે તેમના ઘરોમાં કામ કરતા અને તેમને સાધના તથા આરાધનામાં મદદરૂપ થનારા પુરૂષો અને મહિલાઓનાં ઋણ સ્વીકારનો પ્રયાસ કર્યો હતો. રવિવાર જૈન પરિવારોમાં કામ કરતા ૧૨૦૦ લોકોને નવસારીના મધુમતી સ્થિત ચિંતામણી જૈન સંઘ ખાતે પાર્શ્વ ભકિત મંડળના યુવાઓ દ્વારા છરી પાલિત સંઘના સંઘપતિઓના સહયોગથી બે મહિના ચાલે એ પ્રકારે રાશનની કીટ આપી તેમનો ઋણ સ્વિકાર કર્યો હતો. કીટમાં ઘઉં, ચોખા, મગની દાળ, ફોતરા વાળી મગની દાળ, ખાંડ, તેલ, ગોળનો સમાવેશ કરાયો હતો. સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અભિયાન નો પ્લાસ્ટિકને સમર્થન આપવા યુવાનો દ્વારા સમગ્ર કીટ કાપડની થેલીમાં અને તેલ માટે સ્ટીલની બરણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાશન કીટ વિતરણ કાર્યક્રમમાં પ્રથમ ગુરૂ ભગવંતની નિશ્રામાં સૌને વ્યસન મુકિત અને પ્રભુ રટણની પ્રેરણા કરવામાં આવી હતી. ત્યારબાદ સંગીતના સથવારે સૌને પ્રભુ ભકિત કરાવી હતી અને બાદમાં સન્માન પૂર્વક રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી.