નવસારી : બોર્ડ પરિક્ષાઓ નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને સરળતાથી પરીક્ષા આપી શકે એ માટે અનેક પ્રયાસો થતા હોય છે. નવસારીની નારણ લાલા સ્કૂલમાં પણ ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવે એ હેતુથી વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
શાળામાં ૨૫ વર્ષોથી વધુ સમયથી શિક્ષણક્ષેત્રે જોડાયેલા અને મનોવિજ્ઞાનના ઉંડા નિષ્ણાંત ડૉ. અશ્વિન શર્માના મોટીવેશનલ સેમિનારનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. પ્રારંભે આચાર્ય પ્રીતેશકુમાર ટેલરે ડૉ. શર્માને શાબ્દિક આવકાર દ્વારા આવકાર્યા હતા. આ પ્રસંગે કેમ્પસ નિયામક ડૉ. દિનુભાઈ નાયકે વિદ્યાર્થીઓના મગજને ચીકુ સાથે સરખાવી, તમે તમામ પરીક્ષાઓ માટે શક્તિઓ ધરાવો છો, કહી આત્મવિશ્વાસ અપાવ્યો હતો.
કાર્યક્રમમાં ડૉ. અશ્વિન શર્માએ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને અભિપ્રેરિત કર્યા હતા. માન્યતાઓની જેલ તોડી, પોતાના આત્મવિશ્વાસ અને મહેનત દ્વારા દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે, પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. અશ્વિને વાર્તા, ઉદાહરણો અને પોતાની આગવી છટાથી વિદ્યાર્થીઓને જકડી રાખ્યા હતા. સેમિનારમાં સંસ્થાના ચેરમેન મહેશ કંસારાએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમની તૈયારીઓ માટે સફળતાપૂર્વક આયોજન કરો એવી આશા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ અને ડૉ. અશ્વિન શર્મા વચ્ચે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી વિજય કંસારા, કેમ્પસ નિયામક ડૉ. દિનુ નાયક, શાળાના આચાર્ય પ્રીતેશકુમાર ટેલર, સુપરવાઈઝર નિરવ શાહ, નારણ લાલા કેમ્પસની વિવિધ વિદ્યાશાખાના આચાર્યો, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.