વલસાડ : વલસાડના કપરાડાના માંડવામાં દક્ષિણ વન વિભાગના સહયોગથી શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત શિવ શક્તિ કાજુ પ્રોસેસિંગ યુનિટનું રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે સ્વસહાય જૂથની મહિલા ટીમને અભિનંદન પાઠવતાં રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે બનાવેલી યોજનાઓનો લાભ લઇ યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવા અનુરોધ કર્યો હતો. કાજુ પ્રોસેસિંગ યુનિટ માટે વન વિભાગ દ્વારા સહાય આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વસહાય જૂથો કાજુ પ્રોસેસિંગ ઉપરાંત અનેક રોજગારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે સરાહનીય છે. આદિવાસીઓને ડુંગર વિસ્તારમાં વધુમાં વધુ વાવેતર કરવું જોઇએ. સમગ્ર વન વિસ્તારમાં કાજુના પ્લાન્ટેશન થકી ઘરે-ઘરે કાજુનો ગૃહઉદ્યોગ સ્થપાશે. શુદ્ધ વાતાવરણ માટે વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ, તેમ જણાવી વન વિભાગ દ્વારા દસ વૃક્ષની સામે માલિકીના એક વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવે છે, જે ધ્યાને લઇ વધુમાં વધુ સાગનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. ઓર્ગેનિક ખેતીનો બજારમાં સારો ભાવ મળે છે, જે ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા જણાવ્યું હતું. વિકાસના કામો કરવા માટે એકતા જરૂરી છે. માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કપરાડા તાલુકાના અનેક રસ્તાઓ અને પુલોનું નિર્માણ કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા જેવી અનેક યોજનાઓ થકી ગ્રામ્ય વિસ્તારમાં આવાસ અને સ્વરોજગારી માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે. અતિવૃષ્ટિના કારણે ખેતીપાકમાં થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે બાકી રહેલા ખેડૂતોને ૧૪મી જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી દેવા અનુરોધ કર્યો હતો.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કપરાડા વિસ્તારમાં થતી વન પેદાશોની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સ્વસહાય જૂથની અનેક મહિલાઓ પોતાની આવડત પ્રમાણે કામગીરી કરી રહ્યા છે, જે અભિનંદનીય છે. દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક એચ. એસ. પટેલે વન વિભાગ દ્વારા અમલી યોજનાકીય જાણકારી આપી હતી. સાથે જ વન વિસ્તારને સાચવવા માટે સૌના સહયોગની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. શિવશક્તિ મહિલા સ્વસહાય જૂથના પ્રમુખ ગીતાબેન ભુસારાએ મંડળની કામગીરીની રૂપરેખા આપી હતી. વાપીના મદનીશ વન સંરક્ષક આર. બી. સોલંકીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. નાનાપોંઢા સહાયક વન સંરક્ષકે આભાર વિધિ કરી હતી.
આ અવસરે મુખ્ય વન સંરક્ષક એમ. જે. પરમાર, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. બી. સુચિન્દ્રા, નાયબ વન સંરક્ષક એસ. વી. કેદારીયા, માધુ રાઉત, ગુલાબ રાઉત, મહેશ ભટ્ટ, સરપંચ તૃપ્તીબેન, સહભાગી વન વ્યવસ્થાના પ્રમુખો, મંત્રીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.