આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, પંચાયત ઘર એ ગામનું હૃદય છે, જેનું મકાન સારું ગુણવત્તાયુક્ત બને અને તેની યોગ્ય જાળવણી કરવાની જવાબદારી ગ્રામજનોની છે. ગ્રામ પંચાયતનું નવું મકાન બનતાં ગ્રામજનોને મળતી સુવિધાઓમાં પણ વધારો થશે. ખતલવાડાથી માલખેત જતો રસ્તો એક કરોડના ખર્ચે નવો બનશે, આ ઉપરાંત અન્ય સાંકડા રસ્તાઓને પહોળા બનાવવાનું આયોજન પણ કરાયું છે. આ કામગીરીમાં ગ્રામજનોના સહકારને અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ખેડૂતો માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો સંબંધિતોને લાભ લેવા જણાવી અતિવૃષ્ટિથી પ્રભાવિત ખેડૂતો લાભ લેવા માટે ૧૪મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવા જણાવ્યું હતું. વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન સહિત જરૂરિયાતમંદ લોકોને સ્પર્શતી દરેક યોજનાઓનો લાભ અપાવવા ગ્રામ અગ્રણી તેમજ સરપંચને પૂરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
માલખેત સરપંચ મહેશ બસીયાએ ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી ગામના વિકાસમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. માલખેત પ્રાથામિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યાં હતાં.
આ અવસરે એફ. સી. આઇ. ના સભ્ય હિતેશ સુરતી, તાલુકા પંચાયત સભ્ય વૈશાલીબેન, અગ્રણી પપ્પુ તિવારી, મુકેશ પટેલ, કનુ સોનપાલ, પંચાયત સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.