વિજલપોર પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ પક્ષના હોદ્દા પરથી રાજીનામું ધર્યું
પાલિકા પ્રમુખના સમર્થનમાં વિવિધ મોર્ચાના પદાધિકારીઓના પણ સામુહિક રાજીનામાં
નવસારી : વિજલપોર નગર પાલિકામાં ગત વર્ષે પાલિકા પ્રમુખને ઉપપ્રમુખે મારેલી થપ્પડની ગુંજ નવા વર્ષે જીલ્લા ભાજપ સુધી પહોંચી છે. જેમાં જિલ્લા ભાજપ સહીત પ્રદેશ કક્ષાએ રજૂઆત કર્યા બાદ પણ વિજલપોર નગર પાલિકાના બાગી ૧૫ નગર સેવકોને પક્ષમાંથી હાંકી કાઢવાની વિજલપોર ભાજપ સંગઠન અને પાલિકા પ્રમુખની માંગને મોવડી મંડળે કાને ન ધરતા આજે વિજલપોર પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ પક્ષના તમાંમ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધુ છે. જેમની સાથે જ સંગઠનના વિવિધ મોર્ચાના હોદ્દેદારોએ પણ પોતાના હોદ્દા પરથી સામુહિક રાજીનામાં ધરી દેતા વિજલપોરના રાજકારણમાં ભર શિયાળે ગરમાટો જોવા મળ્યો છે. જોકે જિલ્લા પ્રમુખે સમગ્ર મુદ્દે એક-બે દિવસમાં નિર્ણય લેવાની વાત કરી હતી.
વિજલપોર નગર પાલિકાની ચુંટણી પત્યા બાદ ભાજપી સભ્યોમાં ભાગબટાઇને પગલે તિરાડ પડી હતી. વિજલપોરની સત્તાનું સુકાન યુવાન નેતા જગદીશ મોદીનાં હાથમાં આપતા જ જુના ભાજપી નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં સમય વિતાવતા જગદીશ મોદી તેમના વિસ્તારના કામો ન કરતા હોવાની ફરિયાદોનું ગાણું ગાવા માંડ્યા હતા. જેના પગલે ભાજપી નગરસેવકોમાં ત્રણ મહીનામાં જ ભાગબટાઇનાં આંતરિક વિખવાદ વચ્ચે ભાજપી સાશકો બે ફાડ થયા હતા. વાત વધતા જ બાગી થયેલા ૧૭ ભાજપી સભ્યોએ પક્ષ સામે પડીને સામુહિક રાજીનામા ધરી દીધા હતા, જોકે જેતે સમયે પક્ષે રાજીનામાં સ્વીકાર્યા ન હતા. બાદમાં બાગી ભાજપી સભ્યો એ વિજલપોર વિકાસ મંચ બનાવી પાલિકાના વિકાસ કામોમા પ્રશ્નો શરૂ કર્યા હતા. જેમા ગત 27 ડિસેમ્બરના રોજ નવસારીમાં વિજલપોરના સમાવેશ કરવાના મુદ્દે મળેલી ખાસ સભામાં આક્રોશિત ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પાલિકા પ્રમુખ જગદીશ મોદીને ગળેથી પકડી થપ્પડ મારી દેતા મામલો ગુંચવાયો હતો. સમગ્ર મુદ્દે જગદીશ મોદીએ જલાલપોર પોલીસ મથકે ઉપપ્રમુખ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ ગત દિવસોમાં વિજલપોર પાલિકાએ ઉપપ્રમુખ સંતોષ પુંડકર સહીત ચાર બાગી નગર સેવકોને તેમના પદ પરથી દુર કરવા માટે પાલિકા નિયામકને લેખિત રજૂઆત પણ મોકલી હતી. સાથે જ પાલિકા પ્રમુખ સહીત તેમના સમર્થકોએ જિલ્લા ભાજપ તેમજ પ્રદેશ કક્ષાએ બાગી ૧૫ નગર સેવકો પક્ષ વિરૂદ્ધ કાર્ય કરતા હોવાનાં આક્ષેપો સાથે તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. જેમાં ભાજપ મોવડી મંડળ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ સંગઠનના હોદ્દા તેમજ તેમની સાથે શહેર સંગઠનના વિવિધ મોર્ચાના પદાધિકારીઓ ૨૫૦ જેટલા કાર્યકર્તાઓના સમર્થન સાથે તેમના હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દિધા હતા. જેને પગલે સ્થાનિક રાજકારણમાં મોસમના સૌથી ઠંડા દિવસે ગરમાટો આવી ગયો છે.
પરિવારની વાત છે, સમજાવી લેવાશે, જયારે ૧૫ બાગીઓ માટે પ્રદેશમાં જાણ કરવામાં આવી છે, પ્રદેશમાંથી આદેશ થતા કાર્યવાહી કરીશું… – નરેશ પટેલ
વિજલપોરના રાજકારણમાં આવેલા ભુકંપનો ઝટકો સુરતના મહુવા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સુધી અનુભવાયો હતો. જેને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલ દોડતા નવસારી પહોંચ્યા હતા. સાથે જ તેમણે સમગ્ર મુદ્દે વિજલપોર પાલિકા પ્રમુખ જગદિશ મોદી સહિતના લોકોએ આપેલા રાજીનામા પ્રકરણમાં પરિવારની વાત હોવાનુ જણાવી સમજાવી લેવાનો સુર આલાપ્યો હતો. જયારે બાગી ૧૫ નગર સેવકોને પક્ષની પરંપરા અનુસાર પ્રથમ નોટીસ આપ્યા બાદ તેમને પક્ષમાંથી બહાર કાઢવા માટેનો નિર્ણય જિલ્લા સંકલનમાં લેવાયો છે અને સમગ્ર મુદ્દે પ્રદેશ કક્ષાએ જાન કરવામાં આવી છે. જેથી વિજલપોર પાલિકાના ૧૫ બાગી નગર સેવકો મુદ્દે પ્રદેશમાંથી એક-બે દિવસમાં ત્યાંથી નિર્યણ આવતા જ બાગીઓને નોટિસ આપી પક્ષમાંથી દૂર કરવા સુધીના પગલા લેવાની કેફિયત રજૂ કરી હતી.