૯૩૫ લોકોએ આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિ દ્વારા કરાવ્યું નિદાન
વલસાડ : વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં સચિવ તથા ગાંધીનગર આયુષની કચેરીના નિયામકની પ્રેરણાથી તથા જિલ્લા આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન વલસાડ તાલુકાના કોસંબા ગામના પ્રિતમનગર મેદાન, રણછોડ મંદિર પાસે કરવામાં આવ્યું હતું.
સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં કુલ ૯૩૫ દર્દીઓએ આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિ દ્વારા નિદાન સારવારનો લાભ લીધો હતો. જયારે ૧૫૦૦ થી વધારે લોકોએ અમૃત પેય ઉકાળાનો લાભ લીધો હતો. આ ઉપરાંત આયુર્વેદ પધ્ધતિ દ્વારા બાળકોને સ્વર્ણપ્રાશન, મર્મ ચિકિત્સા તથા અગ્નિ કર્મ ચિકિત્સાનો લાભ આપવામાં આવ્યો હતો. હોમીયોપેથીના ડેંગ્યુના પ્રતિરોધક ડોઝ ૩૧૦ જેટલા લોકોને આપવામાં આવ્યા હતા.
આ સાથે જ ચાર્ટ પ્રદર્શની દ્વારા આયુર્વેદિક તથા હોમીયોપેથી પધ્ધતિનો વ્યાપ વધે તે સંબંધિત જરૂરી માહિતી જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જાહેર જનતાને આપવામાં આવી હતી. કેમ્પમાં આયુર્વેદ અને હોમીયોપેથી મેડિકલ ઓફિસરોની ટીમ દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી.