ગુજરાત

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટાના સ્વપ્નાઓને સૌ સાથે મળી સાકાર કરીએ – કલેકટર

Published

on

ખેરગામ ખાતે ૭૧ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી

નવસારી : ભારતના ૭૧માં પ્રજાસત્તાક પર્વની નવસારી જિલ્લાના ખેરગામ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલે રાષ્ટ્ ભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. તેમણે ઉપસ્થિત સર્વેને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવવા સાથે આઝાદીની લડતમાં નવસારી જિલ્લાની ભૂમિના લોકોએ આપેલા પ્રદાન તેમજ બલિદાનને યાદ કર્યા હતા.  

આ પ્રસંગે જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલે જણાવ્યું  હતુ કે, રાજ્ય સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા સાથે કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારે લોકાભિમુખ વહિવટ થકી લોક કલ્યાણ માટે લોકોના ઘર આંગણે જઈને તેમના પ્રશ્નો દૂર કરવાનો સંવેદનશીલ પ્રયાસ કર્યો છે. જેના પરિણામે ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટાના એવા આપણા મહાપુરૂષોએ ભારત વર્ષ આદર્શ અને અખંડ બને તે માટે અનેક વિધ સ્વપ્નાઓ જોયા હતા, એ સ્વપ્નાઓને સૌને સાથે મળી સાકાર કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે સમગ્ર રાજ્યની સાથે નવસારી જિલ્લામાં હાથ ધરાયેલ લોક કલ્યાણકારી કાર્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે નવસારી જિલ્લાના ૪૧,૬૮૭ લાભાર્થીને કુલ ૩૪.૪૬ કરોડ રૂપિયાની સહાય ચુકવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કૃષિ ઈનપુટસ સહાય અંતર્ગત જિલ્લાના વિવિધ કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ કુલ ૪,૦૮૫ લાભાર્થીઓને ૪.૫૫ કરોડ રૂપિયાની રકમ સીધી ખાતામાં સબસીડી પેટે ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામા આવી છે.

પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી પ્રસંગે ખેતીવાડી – બાગાયત વિભાગ, વનવિભાગ, આરોગ્ય, જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સી, પાણી પુરવઠા સહિતના વિવિધ વિભાગની કામગીરીને પ્રદર્શિત કરતાં ટેબ્લોઝ તથા દેશભક્તિના ગીતોની ધૂન સાથેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયાં હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઇ દેસાઇને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જયારે કલેકટર તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહિવટી તંત્રના કર્મયોગીઓ, શિક્ષકો, ૧૦૮ ના કર્મચારીઓ તેમજ રમતવીરોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

આ અવસરે રાજ્ય સરકાર વતી જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલના હસ્તે ખેરગામ તાલુકાના વિકાસ માટે રૂપિયા ૨૫ લાખની રકમનો ચેક ખેરગામ મામલતદારને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ કલેકટર તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમિતાબેન પટેલ, ધારાસભ્ય પિયુષ દેસાઇ, ધારાસભ્ય નરેશ પટેલ, નિવાસી અધિક કલેકટર કે. જે. રાઠોડ સહિત જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Click to comment

Trending

Exit mobile version