ગુજરાત

સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપે : જવાહર ચાવડા

Published

on

માંગરોળ ખાતે ૭૧મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી

રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ ધ્વજવંદન કરતાં ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સામાજિક સમરસતા થકી દેશ અને રાજ્યને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈએ લઇ જવામાં દેશબંધુઓ સહિયારૂ યોગદાન આપી ‘રાજ્ય સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ ના વિકાસમંત્રને સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવાનું આહ્વાન કર્યું હતુ.

સુરત જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માંગરોળ તાલુકા મથકે સરકારી ગોડાઉનની પાછળ આવેલા પટાંગણમાં દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કરવા સાથે જ તેમણે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યારે મંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિકાસ માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલને એનાયત કરાયો હતો.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી ચાવડાએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓને યાદ કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય જનને કેન્દ્રમાં રાખીને સંવેદનાપૂર્વક પારદર્શી નિર્ણયો સાથે સતત કાર્ય કરી રહી છે. વાયદાઓ નહી, પણ નક્કર ઈરાદાઓ સાથે સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભો પર સુશાસનની રાહ પર ચાલીને ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બનીને ઊભર્યું છે. સર્વ સમાવેશી, સચોટ અને સકારાત્મક જનહિલક્ષી નિર્ણયો અને તેના સર્વગ્રાહી અમલીકરણથી જનજનને સુશાસનની પ્રતિતી થઇ રહી છે.

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ગંગાસ્વરૂપ બહેનોને મળતાં પેન્શન અંગે ૨૧ વર્ષના સંતાનની મર્યાદા દૂર કરીને આજીવન પેન્શન આપવાનો ઐતિહાસિક નિર્ણય કરતાં રાજ્યની લાખો ગંગાસ્વરૂપ બહેનોને આજીવન પેન્શન મળતું થશે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે સુરતના ઓલપાડ તાલુકાની ૭ હજાર બહેનો અને અન્ય તાલુકાની ૩,૨૯૬ બહેનો મળીને કુલ ૧૦,૨૦૬ ગંગાસ્વરૂપ બહેનોને પેન્શન મંજૂરીપત્રો આપવાના ઉમદા પ્રસંગને મહિલાઓના સશક્તિકરણનું આ મોટું અને ગૌરવભર્યું પગલું ગણાવ્યું હતું. તેમણે વ્હાલી દિકરી યોજના, પૂર્ણા યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, નારી અદાલતો, જનની સુરક્ષા, પી.એમ. માતૃવંદના યોજના, ચિરંજીવી યોજના જેવી લોકપ્રિય યોજનાઓની છણાવટ કરી મહિલાલક્ષી યોજનાઓએ રાજ્યમાં નારીશક્તિઓના શીશ ગૌરવભેર ઉન્નત કર્યા છે એમ જણાવ્યું હતું. પ્રવાસન મંત્રીએ ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા સીએએ કાયદા અંગે વાત કરતા નાગરિકતા કાયદો કોઈની નાગરિકતા છીનવવા નહિ, પણ નાગરિકતા આપવા માટે હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. 

આ વેળાએ હોમગાર્ડ યુનિટના હરિચંદ્ર સિંધુ પાટીલે પોતાના માથા તથા શરીર પર મોટર સાયકલ તથા ફોર વ્હીલર પસાર કરીને દિલધડક સ્ટંટ રજુ કર્યા હતા. જયારે જિલ્લા આઈ.સી.ડી.એસ. કચેરી, આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોલીસ વિભાગ, ખેતીવાડી શાખા,  વન વિભાગ, શિક્ષણ, દક્ષિણ ગુજરાત વીજ કંપની, ૧૦૮ ઇમર્જન્સી સેવા, ડી.જી.વી.સી.એલ., આર.ટી.ઓ. એમ કુલ ૧૧ ટેબ્લોએ કલા, સાંસ્કૃતિક અને જીવનશૈલી વિષયને ઉજાગર કર્યા હતા. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેબ્લોને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.સાથે જ માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓ-કોલેજના બાળકોને ધમાકેદાર રંગારગ કાર્યક્રમો, યોગાસન, દેશભક્તિના ગીતો સાથે નૃત્યની આકર્ષક કૃત્તિઓ રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. જયારે પોલિસ, માહિતી વિભાગ, વનવિભાગ, આરોગ્ય તથા શિક્ષણ વિભાગના કર્મયોગીઓને મંત્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મંત્રી ચાવડા તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. કોયા, નિવાસી અધિક કલેકટર સંજય વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી એચ. એચ. રાજ્યગુરૂ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પોલીસ અધિક્ષક એ. એમ. મુનિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિબેન પટેલ, અગ્રણી દિલીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ ગામીત, પ્રાંત અધિકારી તેમજ મોટી સંખ્યામાં નગરજનો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Click to comment

Trending

Exit mobile version