નવસારી : ગુજરાતના શિક્ષણ જગતમાં એક પછી એક છાબરડાઓ બહાર આવતા જ જાય છે. ખાસ કરીને પેપર લીકથી થવાથી લઇને શિક્ષકોનાં કારનામાં અને ઘણીવાર તેમના દ્વારા કરવામાં આવતી આડસાઈ શિક્ષણ જગતને કલંકિત કરતી હોય છે. આવો જ કિસ્સો નવસારીની ધોરણ ૧૦ ની ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં સામે આવ્યો છે. જેમાં ગુજરાતી વિષયમાં શિક્ષકે આળસ કરી ખાનગી પ્રકાશનનું પ્રશ્નપત્ર પૂછી નાખતા જિલ્લા શિક્ષાણાધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં હાલમાં ધોરણ ૧૦ની સત્રાંત પરિક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગુજરાતી વિષયના શિક્ષકે ગુજરાતીનું પેપર કાઢવામાં આળસ કરી હતી. શિક્ષકે મહેસાણાની એક ખાનગી પ્રકાશનમાં છપાયેલું ગુજરતીનું પ્રશ્નપત્ર એક પણ સુધારા વધારા વગર બેથેબેથું પૂછી નાખ્યું હતું. જેની જાણ જિલ્લા શિક્ષણાધિકારી થતા જ તેઓ અકળાયા હતા અને જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યોનાં બનાવાયેલા વોટ્સેએપ ગ્રુપમાં આચાર્યોને ઉપરોક્ત બાબતે ઠપકો આપ્યો હતો. સાથે જ આવી ક્ષતિઓ જોવાની જવાબદારી આચાર્યોની હોવાનું જણાવી સમગ્ર મુદ્દે સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકો વચ્ચેનો ભેદ ખોલી નાખ્યો હતો. વાલીઓ કેમ સરકારી શિક્ષકો ઉપર વિશ્વાસ નથી કરતા તેની પણ ખરી ખોટી સંભળાવી શિક્ષકોને સુધારવાની વાતો સાથે તતડાવી નાખ્યા હતા. જોકે સમગ્ર મુદ્દે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે અને જો શિક્ષક કસુરવાર ઠરશે તો તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે કામચોરી કરતા શિક્ષકને ખખડાવતા શિક્ષણ અધિકારીનો ઓડિયો વાઇરલ થયો છે. જેને લઈને શિક્ષણ જગતમાં ઘણી ચર્ચાઓ ઉઠી છે, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા શિક્ષકો જ જયારે આવું કૃત્ય કરે, ત્યારે વાલીઓનો શિક્ષકો પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે.