Connect with us

નવસારી

બીલીમોરામાં કાવેરી નદીનાં આડબંધમાં ભંગાણ, લાખો લીટર પાણી દરિયામાં વહી ગયું

Published

on

બીલીમોરા પાલિકાએ ૬ વર્ષોમાં ૨૯.૧૫ લાખ ખર્ચ્યા, આ વર્ષે ખર્ચેલા ૪.૩૧ લાખ રૂપિયા પણ પાણીમાં વહ્યા

નવસારી : નવસારીના બીલીમોરા શહેરને વર્ષ દરમિયાન મીઠું પાણી મળી રહે એ હેતૂથી બીલીમોરા પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કાવેરી નદી પર માટી પુરાણ કરી કાચો આડબંધ બનાવવામાં આવે છે. પરંતુ દર વર્ષે નદીમાં પાણીનો ફોર્સ વધતા અથવા મોટી ભરતીમાં આડબંધમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી સાથે પાલિકાના લાખો રૂપિયા પણ વહી જાય છે. સોમવારે પણ કાવેરી નદી પર બનાવવામાં આવેલા આડબંધમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી દરિયામાં વહી ગયું હતુ. ઉલ્લેખનિય છે કે, પાલિકા દ્વારા છેલ્લા ૬ વર્ષોમાં આડબંધ પાછળ કુલ ૨૯.૧૫ લાખ રૂપિયા ખર્ચ્યા છે, પણ કોઈ નક્કર આયોજન ન થવાથી દર વર્ષે લાખો રૂપિયા પાણીમાં જ વહી જાય છે.

ઉનાળો શરૂ થતા જ નવસારી સહીત સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યા સામે આવતી હોય છે. જેમાં પણ નવસારી જિલ્લાના આદિવાસી તેમજ કાંઠાનાં વિસ્તારોની સ્થિતિ ઉનાળામાં કફોડી બને છે. જિલ્લાનું બીલીમોરા શહેર અંબિકા અને કાવેરી બે નદીઓમાંથી પાણી ફિલ્ટર કરી પીવાના ઉપયોગ માટે મેળવે છે. પણ ઉનાળામાં બીલીમોરાના શહેરીજનોને પણ પાણી માટે વલખા મારવા પડે છે, ત્યારે ગત ૭ વર્ષોથી બીલીમોરા પાલિકાના ભાજપી શાસકો દ્વારા દરિયામાં વહી જતા કાવેરી નદીના પાણીને રોકવા બીલીમોરાના દેસરા નજીકથી વહેતી કાવેરી પર લાખો રૂપિયાનાં ખર્ચે માટીનો કાચો આડબંધ બાનાવવામાં આવે છે. પરંતુ પાલિકાના શાસકો અને એન્જીનીયરની અણઆવડતને કારણે  કાચો આડબંધ દરવર્ષે તૂટી જાય છે અને લાખો લીટર પાણી સાથે લાખો રૂપિયા પણ પાણીમાં વહી જાય છે. દેસરા ખાતે બનાવવામાં આવતો આડબંધ તૂટતા આસપાસના ૫ ગામોને પણ પાણી મુદ્દે તકલીફ વેઠવાનો વારો આવે છે. આ વર્ષે પાલિકા દ્વારા ૪.૩૧ લાખ રૂપિયાનો ખર્ચ કરીને આડબંધ બનાવ્યો હતો, પણ ગત રોજ કાવેરી નદી પરનો આડબંધ તૂટી જતા લાખો લીટર મીઠું પાણી વહી ગયું હતું. જેને લઈને વિપક્ષે પાલિકાનાં ભાજપી સાશકોની લાલીયાવાડીને કારણે પાલિકાના લાખો રૂપિયા વેડફાતા હોવા સાથે જ વારંવાર બનતા આવા બનાવો બીલીમોરા શહેર માટે દુ:ખની વાત ગણાવી હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાણી બચાવવા માટે સુજલામ સુફલામ યોજના કાર્યરત કરી છે, પરંતુ  ભાજપ સાશિત બીલીમોરા નગર પાલિકાના સાશકો સાત સાત વર્ષથી કાવેરી નદીનું પાણી લાખો રૂપિયાનું પાણી કરીને પણ સંગ્રહિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. પાલિકાના સાશકોની અણઆવડતને પગલે દર વર્ષે કાચો આડબંધ તૂટી જાય છે અને પાલિકાને લાખોનું નુકશાન વેઠવા સાથે જ મહામુલુ પાણી પણ દરિયામાં વહી જાય છે.

શિક્ષણ

નવસારીમાં માસૂમોની સુરક્ષા સામે ખીલવાડ કરનારા સ્કૂલ વાહનચાલકો પર પોલીસ-RTOનું સંયુક્ત ઓપરેશન

Published

on

By

માર્ગ સલામતી સમિતિની બેઠક બાદ કલેક્ટરના આદેશથી દંડાત્મક કાર્યવાહી; 8 વાહનોને દંડ તો 1 સ્કૂલ વાહન ડિટેઈન કરાયું

નવસારી : નવસારી જિલ્લામાં શાળાએ જતા બાળકોની સલામતી સાથે ચેડાં કરતા અને વાહન વ્યવહારના નિયમોનું અનાદર કરતા સ્કૂલ વાહનચાલકો અને બસ સંચાલકો સામે જિલ્લા પોલીસ અને RTO તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટરની સીધી સૂચના બાદ હાથ ધરાયેલા આ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાનમાં નિયમભંગ કરનારા આઠ વાહનો પાસેથી કુલ 83 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે એક વાહનને ઘટનાસ્થળે જ ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટરની કડક સૂચના અને સંયુક્ત ઓપરેશન

બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચુકાદા અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં સ્કૂલ વાહનોના કડક ચેકિંગ અંગે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. જેને પગલે ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર (RTO) તંત્રની સંયુક્ત ટીમોએ જિલ્લાની વિવિધ શાળાઓ બહાર તથા મુખ્ય માર્ગો પર તૈનાત થઈ બાળકોની હેરફેર કરતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

દંડાત્મક કાર્યવાહી અને આગામી દિવસોમાં વધુ કડક વલણ

આ આકસ્મિક તપાસ દરમિયાન ફીટનેસ, ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા તેમજ જરૂરી કાગળોના અભાવ જેવા નિયમભંગ બદલ કુલ 8 વાહનોને ઈ-ચલણ ફટકારી 83,000 નો દંડ વસૂલાયો હતો અને ગંભીર ક્ષતિ ધરાવતા 1 વાહનને ડિટેઈન કરાયું હતું. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, માસૂમ બાળકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી લેવાશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ વધુ આક્રમક રીતે ચાલુ રહેશે.

Continue Reading

અપરાધ

ખારેલ બ્રિજ પાસેથી 3.40 લાખના દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલક પકડાયો

Published

on

By

ગણદેવી પોલીસે કુલ 5.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

નવસારી : દક્ષિણ ગુજરાતમાં દારૂની ગેરકાયદે હેરાફેરી પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સતત વોચ અને મોનિટરિંગ રાખવામાં આવતું હોય છે. આ ઝુંબેશના ભાગરૂપે ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ નીચેથી 3.40 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે વાહન તથા અન્ય સામગ્રી મળી કુલ 5.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે.

તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો

મળતી માહિતી અનુસાર, ગણદેવી પોલીસના PI એન. આઈ. રાઠોડ અને PSI એન.એ. પટેલની માર્ગદર્શિકા હેઠળ ખારેલ આઉટ પોસ્ટના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન PSI એન.એ. પટેલ તથા ASI નિલેશભાઈને મળેલી સચોટ બાતમી આધારે ખારેલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. સેલવાસ અને વાપી તરફથી સુરત જઈ રહેલા ટેમ્પોને રોકીને તપાસ કરતા, બ્લ્યુ કલરની તાડપત્રી હેઠળ છુપાવેલ 3.40 લાખ રૂપિયાની વ્હિસ્કી તથા બિયરની કૂલ 1152 બાટલીઓ મળી આવી હતી.

ઉમરગામના ચાલકની ધરપકડ, વડોદરાના બે આરોપી વોન્ટેડ

પોલીસે ઘટના સ્થળેથી ટેમ્પો ચાલક અને વલસાડ જિલ્લાના ઉંમરગામ ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના 27 વર્ષીય નરેન્દ્રસીંગ પરસ્તેની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો ભરી આપનાર વડોદરાના સોનુસીંગ અને મંગાવનાર ‘કાકા’ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે આ બંને વોન્ટેડ આરોપીઓ સામે પણ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

બીલીમોરા સ્ટેશન નજીક ગાદલાની દુકાનમાં ભીષણ આગ : 6 દુકાનો ખાખ

Published

on

By

ગણદેવી અને બીલીમોરા ફાયર બ્રિગેડના 5 ફાયર ફાઇટરો થકી કલાકોની જહમત બાદ આગ કાબૂમાં આવી

નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ધમધમતા સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગાદલાની દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ રૂપ લેતા આસપાસની અન્ય દુકાનોને પણ પોતાની ચપેટમાં લીધી હતી. આ ગોઝારી ઘટનામાં દવાની દુકાન સહિત કુલ 6 દુકાનોમાં આગ પ્રસરતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ બીલીમોરા અને ગણદેવી ફાયર સ્ટેશનના 5 ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચેલા લાશ્કરોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

વિકરાળ જ્વાળાઓ વચ્ચે ફાયર ફાઈટરોનું રેસ્ક્યૂ ઓપરેશન : રસ્તો ન મળતા એક દુકાન તોડવી પડી

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બીલીમોરા સ્ટેશન રોડ પર આવેલી એક ગાદલાની દુકાનમાં શનિવારે બપોરે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. દુકાનમાં યાર્ન, કપાસી રૂ અને કાપડનો જથ્થો હોવાથી આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી પ્રસરી કે બાજુમાં આવેલી મેડિકલ સ્ટોર સહિત આસપાસની અન્ય 5 દુકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની ગંભીરતા જોઈ બીલીમોરા અને ગણદેવીથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, પાછળના ભાગેથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવા માટે પૂરતી જગ્યા કે રસ્તો ન હોવાથી ફાયર વિભાગે ભારે મથામણ બાદ એક દુકાનને તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. કલાકોની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, જેના બાદ JCB મશીન વડે બળેલો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સામી દિવાળીએ વેપારીઓ પર આભ તૂટી પડ્યું

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વેપારીઓએ તહેવારોની કમાણી અને ગ્રાહકોની ભીડને ધ્યાનમાં રાખીને દુકાનોમાં મોંઘોદાટ સ્ટોક અને માલસામાન ભરી રાખ્યો હતો. પરંતુ કાળમુખી આગની આ ઘટનાએ વેપારીઓના તમામ ઓરતા અને મહેનત પર પાણી ફેરવી દીધું છે. સામી દિવાળીએ વર્ષભરની રોજીરોટી અને સ્વપ્નાઓ બળીને ભસ્મીભૂત થઈ જતાં પીડિત વેપારીઓ અને તેમના પરિવારજનોમાં ભારે વિષાદ ફેલાયો છે. હજુ ગઈકાલ સુધી જે દુકાનોમાં ગ્રાહકોની ચહલપહલ હતી, ત્યાં આજે માત્ર કાળો કોલસો અને રાખનો ઢગલો નજરે પડે છે. આર્થિક રીતે તૂટી પડેલા આ વેપારીઓ માટે આ દિવાળીનો ઉત્સવ અંધકારમય બની ગયો છે.

Continue Reading
Advertisement

Trending