કોલોનીના લોકોએ આગેવાનો સાથે મળી કરી પોલીસ ફરિયાદ, પાઈપ તોડનારા અસામાજિક તત્વોને પકડવાની માંગ
નવસારી : નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી રેલ રાહત કોલોનીમાં વર્ષોની પાણીની સમસ્યાના સમાધાન રૂપે નવસારી નગર પાલિકાએ થોડા સમય પૂર્વે અલગથી બોર બનાવ્યો હતો અને તેના દ્વારા કોલોનીના ૩૦૦ થી વધુ ઘરોને પાણી મળી રહ્યું છે. ત્યારે રવિવારે રાત્રી દરમિયાન કોઈક અસામાજિક તત્વોએ બોરિંગના મુખ્ય પાઈપને તોડી નાંખતા સવારે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને કોણે પાઈપ તોડ્યો એને શોધવાના પ્રયાસો પણ કર્યા હતા. જયારે તૂટેલા પીવીસી પાઈપને સ્થાનિકોએ જ રીપેર કરાવ્યો હતો અને ઘટનાને મુદ્દે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી પાઈપ તોડનારા અસામાજિક તત્વોને પકડીને પાઠ ભાવાવાની માંગ કરી હતી.
નવસારીના વોર્ડ નં. 11 નાં શ્રમિક વિસ્તાર એવા દશેરા ટેકરીમાં આવેલી રેલ રાહત કોલોનીમાં વર્ષોથી પાણી સમસ્યા રહેતી હતી. સ્થાનિક મહિલાઓએ ઓછા દબાણે પાણી આવતા ટેન્કરના સહારે પાણી મેળવવાની પણ નોબત હતી. વિસ્તારના આગેવાનોએ ઘણીવાર નવસારી નગર પાલિકામાં રજૂઆતો કર્યા બાદ બે મહિના અગાઉ નવસારીના સાંસદ સી. આર. પાટીલની ભલામણને ધ્યાને લઇ નવસારી નગર પાલિકા દ્વારા રેલ રાહત કોલોનીનાં ૩૦૦ થી વધુ પરિવારોની પાણી સમસ્યાનું સમાધાન આણ્યું હતું. પાલિકાએ આ વિસ્તાર માટે અલાયદો પાણીનો બોર કરી આપ્યો હતો. પરંતુ બોર શરૂ થયાનાં બે મહિનામાં જ ગત રવિવારે રાતે કોલોનીમાં બેસતા કોઈક આસામાજીક તત્વોએ બોરનાં મુખ્ય પીવીસી પાઈપમાં ફટકો મારી, પાઈપ તોડી નાંખ્યો હતો. જેને કારણે સોમવારે સવારે પાણી આવતા જ હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયુ હતુ. જેથી સ્થાનિક યુવાનોએ તાત્કાલિક તૂટેલા પાઈપને રીપેર કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે રેલ રાહત કોલોની વિસ્તારમાં ગત 6 મહિનામાં પાર્કિંગ કરેલા વાહનોનાં કાચ તોડવા, કોઈ વાહનનાં ટાયર કાઢી જવા જેવી ઘટનાઓ બની હતી, પણ તેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતુ રવિવારે રાતે અસામાજિક તત્વો બોરિંગનો પાઈપ તોડી નાંખતા આ વિસ્તારના આગેવાનોએ કોંગ્રેસી કોર્પોરેટર ધવલકીર્તિ દેસાઈ સાથે મળી જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી અસામાજિક તત્વોને પકડી પાડી પાઠ ભણાવવાની માંગ કરી હતી. જેને પગલે નવસારી ટાઉન પોલીસ મથકના પીએસઆઈએ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ દહ્રી હતી.